અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સમગ્ર ભારતના હિન્દુ ધર્મના લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યા છે. ત્યારે ભગવાન શ્રીરામની ભક્તિમાં લીન થવા માટે ડીસા શહેર પણ તૈયાર થઈ રહ્યું છે. જેના ભાગરૂપે આજે ડીસાની હિન્દુ ધર્મશાળા ખાતે આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુ ધર્મશાળા ખાતે યોજાયેલી બેઠકમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ડીસા શહેરમાં આયોજનના ભાગરૂપે એક સમિતિની રચના કરવામાં આવી છે. જે સમિતિનું નામ શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શોભાયાત્રા રાખવામાં આવ્યું છે.

સાથે જ 21જાન્યુઆરીના રોજ ડીસા શહેરમાં રામજી મંદિરથી શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. તેમજ સમગ્ર ડીસા શહેરને ઝગમગતી લાઈટોથી શણગારવામાં આવશે અને તમામ મુખ્ય સર્કલ ઉપર લાઉડ સ્પીકર લગાવીને 21 તારીખ અને 22 તારીખ સુધી શહેરમાં રામધૂન લોકો સાંભળી શકે તેવું આયોજન થશે. ડીસા શહેરના તમામ રાજમાર્ગો પર રંગોળી પૂરવામાં આવશે તેમજ સાઈબાબા મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવશે.

શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા તમામ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવશે. 22 તારીખે ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દરેક શહેરમાં દરેક ગલીઓમાં એલઈડી લગાવીને લાઈવ ટેલીકાસ્ટના માધ્યમથી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને નિહાળી શકે તેવું આયોજન કરાશે.