મહેસાણાથી ઈકો ગાડી ચોરનાર ડીસાના યુવકની બનાસકાંઠા એલસીબી પોલીસે અટકાયત કરી હતી. યુવકે મહેસાણાથી ગાડી ચોરી પેસેન્જરને બેસાડી ઝાલોર ખાતે વર્ધી પણ મારી હતી. તેમજ તે અગાઉ પણ વાહનચોરીના ગુનામાં પકડાયો હોવાનું પોલીસ સમક્ષ તેને કબૂલતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ પોલીસને મિલકત સંબંધી તેમજ વાહન ચોરીના ગુનાઓ શોધવાની સોંપેલી કામગીરી અંતર્ગત એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ મુકેશકુમાર, મિલનદાસ તેમજ પોલીસ કોન્સ્ટેબલ કાનસિંહ ડીસા ખાતે પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન ડીસાના ચંદ્રલોક સોસાયટીમાં રહેતો હિતેશ સોનારામ માળી મળી આવતા તેની પૂછપરછ કરતા તેણે મહેસાણા શહેરમાં પાલનપુર રોડ પર બ્રિજ નીચે આવેલી એક સોસાયટીમાં પાર્ક કરેલી ઇકો ગાડીની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

આરોપી ગાડી ચોરી કરી ઝાલોર તેમજ સાયલા પેસેન્જર તરફ વર્ધી લઈ ગયો હતો. ત્યાંથી આવતા રસ્તામાં ઊભેલી પોલીસે તેને રોકવાની કોશિશ કરતા તે ગાડી રોડ પર મૂકીને ભાગી ગયો હોવાની પણ કબૂલાત કરી હતી.

 જેથી પોલીસે આ બાબતની ખાતરી કરતાં આ ઇકો ચોરી થઈ હોવાની ફરિયાદ મહેસાણા બી-ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. જેથી એલસીબી પોલીસે હિતેશ સોનારામ માળીની અટકાયત કરી તેને ડીસા શહેર દક્ષિણ પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સોંપ્યો હતો.