ડીસામાં નવા બસ સ્ટેન્ડ પાસેથી રાજસ્થાનથી થેલામાં દારૂ ભરીને ગાંધીનગર હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો છે. શહેર ઉત્તર પોલીસે દારૂના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં દારૂની બદીને અટકાવવા પોલીસ સતર્ક બની છે. ત્યારે બુટલેગરો પણ અવનવી તરકીબો અપનાવી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ડીસા શહેર ઉત્તર પોલીસ આજે પેટ્રોલિંગમાં હતી. તે સમયે નવા બસ સ્ટેન્ડ પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે ત્યાં પહોંચી તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન એક થેલા સાથે શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા શખ્સને ઊભો રખાવી તલાસી લેતા તેના થેલામાંથી દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે તેની પૂછપરછ કરતા તે રાજસ્થાનનો રહેવાસી ચંદ્રપાલસિંહ નાથાવત હોવાનું જણાવ્યું હતું. તેમજ રાજસ્થાનના અલગ-અલગ ઠેકા પરથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો લઈને ગાંધીનગર આપવા જતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે દારૂ ભરેલા થેલા સહિત 17 હજારનો મુદ્દામાલ જપ્ત કરી શખ્સની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.