અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આમંત્રણ આપવા માટે આજે ડીસામાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. નવજીવન સોસાયટી ખાતેથી શરૂ થયેલ શોભાયાત્રા શહેરમાં ફરતા માર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

સમગ્ર દેશ જેની આતુરતાથી અંત જોઈ રહ્યો હતો તે શુભ પ્રસંગને હવે ગણતરીના જ દિવસો બાકી છે. અયોધ્યામાં હિન્દુ ધર્મના આરાધ્યા દેવ એવા ભગવાન શ્રીરામ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીથી શરૂ થનાર છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. ત્યારે આ શુભ પ્રસંગમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવા આજે ડીસાની નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષ રાજગોરની આગેવાનીમાં નવજીવન સોસાયટીથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.

ડીજેના તાલે જય શ્રી રામના નારા સાથે નીકળેલી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને અલગ અલગ 22 સોસાયટીઓમાં જઈ ભગવાન શ્રીરામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકોને હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું હતું. સાથે જ આ મહોત્સવ દરમિયાન પોતાના ઘર, સોસાયટી, શેરી, મહોલ્લાઓને રોશનીથી શણગારવા અને આ મહોત્સવનો આનંદ માણવા માટે લોકોને અનુરોધ કર્યો હતો.