ડીસામાં એક વિદ્યાર્થીનું અકસ્માતમાં શંકાસ્પદ મોત થયું હોવાની ઘટના સર્જાઈ છે. જે મામલે મૃતકના પરિવારજનોએ જાણ કરતા પોલીસે લાશને પી.એમ. અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે.
ડીસાની મેહુલનગર સોસાયટીમાં રહેતો રાહુલ મનોજભાઈ બઢીયા નામનો 23 વર્ષે યુવક આણંદ ખાતે ફાર્મસીનો અભ્યાસ કરે છે અને તે ઉત્તરાયણ કરવા માટે ઘરે આવ્યો હતો. તે દરમિયાન ગતરાત્રે તે તેના મિત્રો સાથે બજાર ગયો હતો અને પરત આવતા સંત અન્ના હાઈસ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે જમ્પ આવતા અચાનક તેને એકટીવાના સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા એકટીવા સ્લીપ ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં યુવકને કમર અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે યુવકનો મિત્ર તરત જ ત્યાં પહોંચ્યો હતો અને તેને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલમાં લઈ ગયો હતો, પરંતુ એકપણ હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાથી તેને તાત્કાલિક સારવાર મળી શકી ન હતી. બાદમાં તેને ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
જોકે, રાત્રિના સમયે બનેલી ઘટનાની જાણ પરિવારજનોને સવારે થઈ હતી અને જાણ થતા જ તેના પરિવારજનો સહિત સગા સંબંધીઓ તરત જ સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. પરિવારજનોને યુવકના મોત અંગે શંકા જતા તેમને તરત જ પોલીસને જાણ કરી હતી. જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.