ડીસા શહેરની જીઆઇડીસીમાં ઘી તેલ મરચું હળદર સહિતની ખાદ્યચીજોમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે છે. ત્યારે એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ફૂડ વિભાગની ટીમે ડીસા જીઆઇડીસીમાં આવેલી ઓઇલ મીલમાં દરોડા પાડી પામોલીન અને સોયાબીન તેલના સેમ્પલ લીધા હતા.
ડીસાની જીઆઇડીસીમાં તેલ મિલોની અંદર મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી એક જાગૃત નાગરિકે રજૂઆત કરી હતી. જેથી બનાસકાંઠા ફ્રુડ વિભાગની ટીમે તપાસ શરૂ કરી હતી. આજે ફુડ ઇન્સ્પેક્ટર પ્રિયંકાબેન ચૌધરી સહિતની ટીમ જીઆઇડીસીમાં પ્લોટ નંબર 32માં આવેલી શ્રી સવાઈ માર્કેટિંગ ઓઇલ મીલમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તેમજ ઓઇલ મીલમાંથી શંકાસ્પદ પામોલીન અને સોયાબીન તેલના જુદા જુદા સેમ્પલ લીધા હતા.
ફુડ વિભાગ સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું. ડીસા જીઆઈડીસી વિસ્તારમાં અવારનવાર ફ્રુડ વિભાગની કાર્યવાહીથી અન્ય ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.