બનાસકાંઠા જિલ્લા ભુસ્તર વિભાગની સરકારી ગાડીમાંથી અગાઉ જીપીએસ મળી આવ્યું હતું જે મામલાની તપાસ દરમિયાન ત્રણ આરોપીઓની અટકાયત પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર પ્રકરણમાં કોલ ડીટેલ ના આધારે તપાસ કરવામાં આવતા ભૂસ્તર વિભાગની ગાડી ચલાવનાર ડ્રાઇવર સુરેશ ચૌધરીનું નામ સામે આવતા અટકાયત કરવામાં આવી છે.
જિલ્લાના ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી પર GPS લગાવવા મામલે ભૂસ્તર વિભાગના ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર દ્વારા પશ્ચિમ પોલીસ મદદથી ગુનો નોંધવામાં આવ્યો હતો જે બાદ પશ્ચિમ પોલીસ દ્વારા તપાસ કાર્યવાહીમાં વિલંબ દાખવતા સમગ્ર મામલાની તપાસ પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતા એલસીબીએ ત્રણ યુવકની અટકાયત કરી ત્રણેયને ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન 4 જીપીએસ ખરીદયા હોવાનું ખુલ્યું હતું.
જેમાં પોલીસે ભરત ઠાકોર નામના યુવક પાસેથી વધુ 2 GPS કબજે કર્યા હતા. ત્રીજું જીપીએસ ભૂસ્તર વિભાગની જીપ માંથી મળી આવ્યું. જ્યારે હજુ એકની તપાસ ચાલી રહી છે. તેવામાં જે સરકારી ગાડીમાંથી જીપીએસ મળ્યું હતું તે ગાડી ચાલક મોટી ભટામલ ગામના સુરેશ ચૌધરીની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
આ અંગે પી.એસ.આઇ. એમ.કે.ઝાલાએ જણાવ્યું હતું કે, પાલનપુર ભુસ્તર વિભાગની કચેરીમાં હંગામી ડ્રાઇવર તરીકે નોકરી કરતા સુરેશ પરાગભાઈ ચૌધરી ( રહે. મોટી ભટામલ તા. પાલનપુર)નું નામ કોલ ડીટેલમાં ખુલતા તેની અટકાયત કરવામાં આવી છે. આ મામલામાં તેની ભૂમિકા એ હતી કે તે ફોન કરીને માહિતી આપી દેતો હતો.'