ડીસા તાલુકાના બાઇવાડા ગામે શૌચક્રિયા માટે બેઠેલા આધેડ પર નીલગાય પડતા ગંભીર ઇજા પહોંચી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જતાં તેને મૃત જાહેર કરાયો છે.
ડીસા તાલુકાના બાઇવાડા ગામે રહેતા 42 વર્ષીય શંભુજી પોપટજી ઠાકોર ખેતીકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતા છે. આજે તેઓ સામાજીક કામ અર્થે બહાર ગામ ગયા હતા. તેમજ તેઓ ઘરે પરત આવી રહ્યા હતા. તે સમયે બાઇવાડા ગામે આવેલા તળાવ પાસે તેઓ શૌચક્રિયા માટે બેઠા હતા. તે સમયે અચાનક ઘસી આવેલી નીલગાય તેમના પર પડતા અને નીલગાયનું શિંગડું તેમના મોઢાના ભાગે ઘુસી જતા ગંભીર ઈજા પહોંચી હતી.
આ બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. નીલગાયનું શિંગડુ વાગતા શંભુજી ઠાકોર લોહી લુહાણ થઈ ગયા હતા. તેમજ આજુબાજુના લોકોએ તેમને તાત્કાલિક સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરાયા હતા. બે સંતાનના પિતાનું આકસ્મિક મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.