પાવીજેતપુર તાલુકામાં સોફ્ટવેર ખોટકાતા ૭૦૦ થી વધુ પ્રાથમિક શિક્ષકોનો પગાર અટવાયો

           પાવીજેતપુર તાલુકાના ૭૦૦ થી વધુ પ્રાથમિક શિક્ષકોનો પગાર પ્રિશા સોફ્ટવેર કેટલાય દિવસથી ખોટકાતા ૨૧ તારીખ સુધી પગાર થવા પામ્યો નથી. જેના કારણે પ્રાથમિક શિક્ષકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. 

         સામાન્ય રીતે દરેક કર્મચારીઓનો પગાર એક થી પાંચ તારીખ સુધી થઈ જતો હોય જ્યારે પાવીજેતપુર તાલુકાના પ્રાથમિક શિક્ષકોનો પગાર ૧૦ તારીખ પછી જ કરવામાં આવે છે ત્યારે આ માસે તો પાવીજેતપુર તાલુકાના પ્રાથમિક શિક્ષકોનો પગાર ૨૧ ડિસેમ્બર સુધી થયો નથી. સ્વાભાવિક રીતે જ શિક્ષકોએ લોન લીધી હોય જેનો હપ્તો મોડા માં મોડી ૧૫ તારીખ સુધી કપાવવાનું આયોજન કર્યું હોય અને જો તે પગાર ૨૧ તારીખ સુધી પણ ન થાય તો હપ્તા ડ્યુ થઈ રહ્યા છે જેને લઇ શિક્ષકોની સિબીલ બગડી રહી છે. પ્રિષા ની સાઇટ કેટલાક દિવસથી બંધ હોય તેમજ કેટલાક ગૃપના બીલો પણ બાકી હોય જેને લઇ હજી સુધી પગાર કરી શકાયો નથી. તો ઓનલાઇન સાઈડો ના વાંક ના કારણે સમગ્ર તાલુકાના ૭૪૨ જેટલા પ્રાથમિક શિક્ષકોને વગર પૈસે વહીવટ કરવાની ફરજ પડી છે. સામાન્ય રીતે દરેક કર્મચારી પગારની આતુરતાથી રાહ જોતો હોય શિક્ષક પણ એ જ પ્રમાણે પગારની રાહ જોઈ રહ્યો હોય, દરેકે આયોજન કરી રાખ્યું હોય પરંતુ સમયસર પગાર ન થતાં શિક્ષકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. જ્યારે કેટલાક શિક્ષકોને તો વ્યાજે રૂપિયા લઈ કામ કરવું પડી રહ્યું છે. તો તંત્ર યુદ્ધના ધોરણે ઘટતું કરી વેહલા પગાર કરાવે તેમજ દર માસે એક થી પાંચ તારીખમાં જ પગાર થઈ જાય એવું આયોજન કરાવે તેમ પાવીજેતપુર તાલુકાના પ્રાથમિક શિક્ષકો ઈચ્છી રહ્યા છે. જો માધ્યમિક શિક્ષકોનો એક થી ત્રણ તારીખમાં પગાર થઈ જતો હોય તો પ્રાથમિક શિક્ષકોનો કેમ નહીં ? આવા વેધક સવાલો શિક્ષણ આલમમાં ઉઠી રહ્યા છે.