સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ રોડ પર શહેરી વિસ્તારોને પાણી પુરૂ પાડતી મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેથી પાલિકા તંત્રની અણઆવડત અને બેદરકારીના કારણે સમસ્યા સર્જાઈ હોવાનો રોષ શહેરીજનોએ ઠાલવ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના તમામ વોર્ડમાં સંયુક્ત પાલિકા તંત્ર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે. જેમાં મુખ્યત્વે ધોળીધજા ડેમ મારફતે પાઈપલાઈન દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર-ધોળીધજા રોડ પર શહેરી વિસ્તાર પાણી પુરૂ પાડતી પાઈપલાઈનમાં ભંગાણના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.જ્યારે આ પાણી આસપાસના રહેણાંક વિસ્તારો સુધી પહોંચતા રહિશો સહિત વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. અવાર-નવાર પાણી પહોંચાડતી પાઈપલાઈન તૂટી જવાના તેમજ લીકેજના બનાવો વધી રહ્યા હોવાથી પાલિકા તંત્ર દ્વારા પાઈપલાઈન નાંખવાની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ ઉઠયાં છે.સુરેન્દ્રનગર શહેરને પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ રીઝર્વ ડેમ તરીકે જાહેર કર્યો હોવાથી બારે મહિના આ ડેમ છલોછલ પાણીથી ભરેલો હોવા છતાં શહેરી વિસ્તારમાં નિયમીત અને પુરતું પાણી મળતું ના હોવાની ફરિયાદો ઉઠે છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના અનેક વિસ્તારો સુધી એક તરફ પીવાનું પાણી નથી મળી રહ્યું જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.ત્યારે આ અંગે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથધરવામાં આવે અને લોકોને પાણી પુરૂ પાડતી પાઈપલાઈન નવી નાંખવામાં આવે અથવા યોગ્ય રીતે રીપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.