ડીસામાં જાહેર માર્ગ પર ખુલ્લી તલવાર વડે કેક કાપી બર્થડે મનાવવો યુવકોને ભારે પડ્યો છે. રાત્રે 10થી વધુ લોકોના ટોળાએ જાહેર માર્ગ પર ખુલ્લી તલવારો વડે કેક કાપી બર્થ ડે મનાવી આતંક મચાવવાની ઘટનામાં પોલીસે એક સગીર સહિત 6 શખસોને છરા અને તલવાર સાથે પકડી જેલના હવાલે કર્યા છે.

ડીસામાં બે દિવસ અગાઉ રાત્રે વાડી રોડ પર દસ જેટલા યુવકોના ટોળાએ ખુલ્લી તલવારો સાથે આતંક મચાવ્યો હતો. જેમાં 10 થી વધુ યુવકોના ટોળાએ રોડ વચ્ચે જ બાઈક પાર્ક દીધું હતું અને ખુલ્લી તલવારો સાથે કેક કાપી બર્થ ડે મનાવ્યો હતો. 10 થી વધુ યુવકોનું ટોળુ રોડ પર ખુલ્લી તલવારો સાથે ઊભા રહેતા ત્યાંથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકો ત્યાંથી નીકળતા પણ ડરી ડરીને પસાર થઈ રહ્યા હતા. ઘટનાને પગલે આજુબાજુના સ્થાનિક લોકોએ ઘટના અંગે પોલીસને પણ જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

જાહેર માર્ગ પર આતંક મચાવનાર 6 શખસોને પોલીસે પકડી પાડયા છે. જેમાં જગતસિંહ દરબાર, કિશન ઠાકોર, ભાર્ગવ ઠાકોર, અજય ઠાકોર અને ચિરાગ ઠાકોર અને એક સગીર સહિત 6 શખ્સોની તલવાર અને છરા સાથે અટકાયત કરી જેલના હવાલે કર્યા છે. ડીસા શહેર ઉત્તર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.