આગામી 22 જાન્યુઆરી 2024ના શુભ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મ સ્થળે ભવ્ય મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે અનુસંધાને અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રથી રામભક્તોને દર્શન માટે આમંત્રિત કરવા અભિમંત્રિત (પૂજીત) અક્ષત(ચોખા) કુંભ પ્રાંત અને ત્યારબાદ વિભાગ અને જિલ્લામાં અને હવે પ્રખંડ સ્તરે પહોંચી રહ્યો છે ત્યારે કાલોલ પ્રખંડમાં આજે અક્ષત કુંભ આવી પહોંચ્યો હતો. વલ્લભદ્વારે ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાંથી રામજી મંદિર સુધી ઢોલ-નગારાના તાલે રાસ ગરબા અને ફટાકડા દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી. મહાલક્ષ્મી મંદિર મા કુંભ લાવવામાં આવ્યો ત્યારબાદ રામજી મંદિરે રામધૂન, હનુમાન ચાલીસા અને આરતી કરીને કુંભનું સ્થાપન કરવામાં આવ્યું. આ અક્ષત કુંભ હવે કાલોલ તાલુકાના દરેક ગામ સુધી પહોંચાડવામાં આવશે અને આ અક્ષતની સાથે ભગવાન શ્રી રામની છબી અને અયોધ્યા મંદિરની માહિતી આપતી પત્રિકા દરેક હિન્દૂ ઘરે પહોંચાડવામાં આવશે. આ માટેનું આયોજન પણ થઈ રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ આ જાગરણના કાર્યક્રમને ઘર-ઘર સુધી લઈ જવા માટે કટિબદ્ધ બન્યા છે.