સુરેન્દ્રનગર, જિલ્લાના લખતર તાલુકાન છારદ અને લીંબડ ગામ વચ્ચે આવેલી નર્મદાની મુખ્ય કેનાલ પર બાઈકચાલકે કાબુ ગુમાવતા બાઈક કેનાલની દિવાલ સાથે અથડાતા બાઈકસવાર બાળક સહિત ત્રણ લોકો કેનાલમાં ખાબક્યાં હતાં. જેમને સ્થાનિકોએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડયાં હતાં.લખતર તાલુકાના છારદ અને લીંબડ ગામ વચ્ચે આવેલી નર્મદાની મુખ્ય કેનાલ પર લખતરથી વિરમગામ તરફ જઈ રહેલા બાઈકચાલકે અચાનક કાબુ ગુમાવતા બાઈક નર્મદા કેનાલની દિવાલ સાથે ધડાકાભેર અથડાયું હતું.જેથી બાઈકમાં સવાર હરેકૃષ્ણભાઈ ઠક્કર (ઉં.વ.55), હંસાબેન મુંડાણી (ઉં.વ.53) અને નક્ષ નિલેશભાઈ (ઉં.વ.6) કેનાલમાં ખાબક્યાં હતાં પરંતુ કચરામાં ફસાઈ જતા આસપાસના વાહનચાલકો અને રાહદારીઓ દ્વારા કેનાલના કચરામાંથી બહાર કાઢી 108ને જાણ કરી સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.જ્યારે પ્રાથમિક તપાસમાં બહેન સીમંતની વિધિમાં આવ્યાં હતાં અને વિરમગામ બાઈક પર મુકવા જઈ રહ્યાં હતાં, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.