સુરેન્દ્રનગર જિલ્લામાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" ગામે ગામ ભ્રમણ કરી રહી છે, જે અન્વયે  ધારાસભ્ય પી.કે પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં દસાડા તાલુકાના છાબલી અને લીંબડ ગામ ખાતે ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધારાસભ્ય પી.કે પરમારે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય સહિતના મહાનુભાવોના વરદ હસ્તે આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સરકારશ્રીની પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ પણ મહાનુભાવો સહિત ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષ "મેરી કહાની, મેરી જુબાની" થીમ હેઠળ લાભાર્થીઓએ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાથી થયેલા લાભ વિશે વાત કરી હતી.આ ઉપરાંત ડ્રોન ડેમોસ્ટ્રેશન દ્વારા ખેડૂતોને ખાતરના છંટકાવ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં અંતમાં ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમ સ્થળે જ આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પનો લોકોએ લાભ લીધો હતો. નોંધનીય છે કે, દસાડા તાલુકાના છાબલી અને લીંબડ ગામ ખાતે ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થતાં જ ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં મહાનુભાવો, અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.