બનાસકાંઠાના ડીસામાં રખડતા પશુઓનો ખૂબજ ત્રાસ વધી ગયો છે. બે દિવસમાં રખડતા પશુઓના કારણે સર્જાયેલા અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. જેમાં ડીસા તાલુકાના બાઈવાડા ગામે રહેતો 23 વર્ષીય યુવકની એક્ટીવા વચ્ચે અચાનક બે ગાયો રસ્તા વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે ગઈકાલે બનેલી અન્ય એક ઘટનામાં આખોલ ગામે રહેતા 28 વર્ષીય યુવક બાઈક લઈને જતા અચાનક રસ્તામાં આખલો વચ્ચે આવી જતા મોત નિપજ્યું હતુ. ત્યારે સરકાર રખડતા પશુઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવે તેવી મૃતકના પરિવારજનોએ માગ કરી છે.

 ડીસામાં રખડતા પશુઓના કારણે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. ડીસા તાલુકાના બાઈવાડા ગામે રહેતો 23 વર્ષીય મહાવીર ઠાકોર નામનો યુવક ક્રિષ્ના કાઠીયાવાડી હોટલમાં કામ કરતો હતો. જે બપોરના સમયે પોતાનું એક્ટીવા લઈને પાટણ હાઇવે તરફ જઈ રહ્યો હતો. તે સમયે માર્કેટયાર્ડના ગેટ પાસે અચાનક બે ગાયો રસ્તા વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં એક્ટીવા ચાલક ધડાકાભેર ડીવાઈડર ટકરાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. અકસ્માત અંગે જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ અને તેના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યાર બાદ યુવકની હાલત વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ લોહી વહી જતા તેનુ સારવાર દરમિયાન મોત થયું હતું.

આ બનાવ અંગે મૃતક મહાવીર ઠાકોરના મોટાભાઈ કમલેશ ઠાકોર અને પિતા શ્રવણભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, મૃતક મહાવીર તેમના ઘરમાં સૌથી નાનો અને લાડકવાયો દીકરો હતો. તે બપોરના સમયે એક્ટિવા લઈને પાટણ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક બે ગાયો રસ્તા વચ્ચે આવી જતા તેનું એક્ટિવ સ્લીપ ખાઈ જતાં અકસ્માત થયો હતો અને તેને માથાના ભાગે ઈજા થતા તેનું મોત થયું છે.

રખડતા પશુઓના કારણે મે મારા ઘરનો લાડકવાયો દીકરો ગુમાવ્યો છે પરંતુ અન્ય કોઈ પરિવારમાંથી પોતાના લાડકવાયા દીકરાઓનો ગુમાવે તે માટે સરકાર તાત્કાલિક રખડતા પશુઓની સમસ્યામાંથી લોકોને મુક્તિ અપાવે તેવી સરકાર પાસે વિનંતી કરી હતી.

આ સિવાય ગઈકાલે ડીસા તાલુકાના આખોલ ગામે રહેતા 28 વર્ષીય દલપતભાઈ ઠાકોર ડેડોલ ગામે જઈ રહ્યા હતા અને રાત્રે તેઓ બાઈક લઈને માલગઢ પાસે હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક રસ્તા આખલો વચ્ચે આવી જતા તેઓ ધડાકાભેર ટકરાયા હતા. આ અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પટકાતા તેમને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ થઈ ગયા હતા.

આ બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવી જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં યુવકની હાલત વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર માટે ખાનગી આઇસીયુ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ ત્યાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, રખડતા પશુઓના કારણે રોજબરોજ અનેક અકસ્માતો સર્જાય છે અને અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડે છે. ત્યારે રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સરકાર યોગ્ય અને સચોટ કાર્યવાહી કરે તેવી લોક માંગ છે.