પરિસંવાદ કાર્યક્રમ દરમિયાન બંધારણ તેમજ વિવિધ કાયદાકીય બાબતો વિશે રસપ્રદ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી 26 નવેમ્બરનો દિવસ દેશભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજ રોજ એસ.પી કચેરી ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી યોજાઈ હતી. ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન ગુજરાત રાજ્ય અને જિલ્લા સરકારી વકીલશ્રીની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા યોજાયેલી "બંધારણ દિવસ"ની આ ઉજવણી નિમિતે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા, ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજશ્રી એ.આર દેસાઈ સહિતનાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં પરિસંવાદનું આયોજન થયું હતું.કાર્યક્રમને સંબોધતા મહિલા અને બાળવિકાસ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી મહેન્દ્રભાઇ મુંજપરાએ જણાવ્યું હતું કે, ભારતનું બંધારણ વિશ્વનાં તમામ બંધારણોમાં સૌથી વિશિષ્ટ બંધારણ છે અને વિશ્વભરમાં આપણી ઓળખ બની છે. તેઓએ બંધારણમાં ઉલ્લેખ કરાયેલા મૂળભૂત હકો, ફરજો અને અધિકારો બંધારણની શૈલી, બંધારણની ભાષા સહિતની વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કર્યા હતા.બંધારણના સિધ્ધાંતો પ્રત્યે સજાગતા રાખી તેના અમલ માટે સહિયારા પ્રયત્નો કરવા જોઈએ તેમ જણાવતા તેમણે બંધારણના સિદ્ધાંતોને જાળવવા મૂળભૂત ફરજોને નિભાવીને નાગરિક તરીકેની આપણી ફરજ નિભાવી જોઈએ તેવી અપીલ પણ આ તબક્કે કરી હતી. નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ આ તકે સંબોધન કરતા જણાવ્યું હતું કે,ભારત લોકશાહીમાં માનનારો દેશ છે.લોકશાહી માટે નાગરિકના હક, ફરજો વગેરે ખૂબ મહત્વ ધરાવે છે. અધિકાર અને ફરજ એક સિક્કાની બે બાજુઓ છે. વધુમાં તેઓએ ભારત દેશના નાગરિકે અધિકાર સાથે ફરજ નિભાવવાનો આગ્રહ રાખવો જોઈએ તેમ જણાવ્યું હતું. ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજશ્રી એ આર. દેસાઈએ બંધારણના મહત્વ વિશે તેમજ પોસ્કો કેસોમાં ઈન્વેસ્ટીગેશનમાં ફરજીયાત ધ્યાને લેવાની વિગત અને આ કેસોમાં પુરાવાઓ એકત્ર કરવાની રીતે વિશે ચર્ચા કરી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ અધિક્ષકશ્રી ડો.ગિરીશ પંડયાએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બંધારણ મૂળભૂત આધાર જણાવતા તેઓએ પણ બંધારણના મહત્વ વિશે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા.ઉપરાંત ઈન્વેસ્ટીગેશન માટે સામાન્ય અને મહત્વની બાબતો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપરાંત પરિસંવાદ કાર્યક્રમમાં એડિશનલ સીનીયર સિવિલ જજ શ્રી બી.આઇ. તારાણીએ ધરપકડ તથા આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરવાઅંગેના પ્રોડકશન રીપોર્ટ તેમજ રીમાન્ડ અરજી અંગે ધ્યાનમા લેવાની વિગતો વિશે, એડિશનલ સીનીયર સિવિલ જજશ્રી આર.આર. ઝીબા દ્વારા પોલીસ તપાસ તેમજ તપાસ દરમિયાન ધ્યાને લેવાના મહત્વના મુદ્દાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ઈલેક્ટ્રોનીકસ એવીડન્સ આઈ.ઓ. કલેકટ કરવા માટેની પ્રક્રિયા વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. નોંધનીય છે કે, મહાનુભાવોના વરદ હસ્તે સંવિધાન પુસ્તક તેમજ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ દિપ પ્રાગટય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ બંધારણના આમુખનું સમૂહ વાંચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સ્વાગત વિધિ જિલ્લા સરકારી વકીલ શ્રી એમ.પી સંભાણી તથા આભાર વિધિ શ્રી આર.પી.રાવલ દ્વારા કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન બંધારણ તેમજ વિવિધ કાયદાકીય બાબતો વિશે રસપ્રદ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, વકીલશ્રીઓ, પોલીસ અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.