ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળમાં ઉચાપત કરવામાં આવી હોવા બાબતે ધાનેરા પોલીસ મથકે 23 લોકો સામે ફરિયાદ આપતાં ધાનેરા પોલીસે પાંચની ધરપકડ કરી હતી. આ સંસ્થામાં દાન આપનાર દાતાઓ સામે પણ ફરિયાદ આપતાં ફરિયાદીઓ સામે સમાજના લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
ધાનેરા તાલુકાના ચૌધરી સમાજ દ્વારા ધાનેરામાં 1980 થી ચાલતા શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના 21 સભ્યો અને વિવેકાનંદના આચાર્ય તેમજ મંડળના હિસાબનીસ સામે પ્રકાશભાઇ જોઇતાભાઇ પટેલ (રહે.ધાનેરા) એ 12.57 કરોડના ઉચાપતની ફરિયાદ આપતાં ધાનેરા તાલુકામાં હડકંપ મચી જવા પામ્યો છે. આ બાબતે ધાનેરા પોલીસે પાંચની શુક્રવારે સાંજ સુધીમાં ધરપકડ કરીને જેલના હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ આ સંસ્થામાં દાન આપનાર ભામાષાઓ આજીવન સભ્ય તરીકે હોય છે અને તે સભ્યો સામે પણ ફરિયાદીઓએ ફરિયાદ આપતાં સમાજના અગ્રણી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમાજના લોકો ફિટકાર વર્સાવી રહ્યા છે.
આ અંગે શંકરભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ મંડળમાં મોટા પ્રમાણમાં દાન આપનાર દાતાઓ છે તેમને સમાજ દ્વારા આજીવન સભ્ય તરીકે આ ટ્રસ્ટમાં રાખવામાં આવ્યા છે અને તેઓ જ્યારે પણ સમાજને દાનની જરૂર પડે ત્યારે દાન આપતા હોય છે અને આવા દાતાઓ ક્યારેય ઉચાપતમાં સામેલ હોઇ શકે નહી. પરંતુ ફરિયાદીઓએ બધાની સામે ફરિયાદ આપીને દાતાઓનું અપમાન કર્યું છે. જેમાં કાનજીભાઇ પટેલ (રાજોડા) તેમજ રાજુભાઇ આકોલીયા દાતા હોવા છતાં તેમની સામે ફરિયાદ કરવાથી આવા દાતાઓની માનહાની થવા પામી છે.
આ અંગે પી.આઇ. એ.ટી.પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ફરિયાદ દાખલ કરી છે અને તપાસ કરીને તેમની અટકાયત કરવામાં આવશે. હાલમાં માસુંગભાઈ શંકરભાઈ પટેલ (રહે.માલોત્રા) (ટ્રસ્ટી), જેસંગભાઈ લક્ષ્મણભાઈ પટેલ (રહે.જાડી) (ટ્રસ્ટી), કાનજીભાઈ હીરાભાઈ પટેલ (આજીવન ટ્રસ્ટ્રી અને દાતા), દાનાભાઈ સુજાભાઈ પટેલ (ટ્રસ્ટી) અને સુજાભાઈ માદેવાભાઈ પટેલ (રહે.ધાખા) (હિસાબનીસ)ની અટકાયત કરાઇ છે.