દેશભરમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ અજરામર ટાવર અને આસપાસના વિસ્તારની સફાઈ કરી લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘નિર્મળ ગુજરાત’ના આપેલા વિચારને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા આ અભિયાનને વધુ વ્યાપક બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વચ્છતાની આ જ્યોતને બે મહિના સુધી લંબાવી છે. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં નાગરિકોની શ્રમદાનની શક્તિથી સ્વચ્છતાના દર્શન થઈ રહ્યા છે. આ અભિયાનથી લોકભાગીદારીની ભાવના જીવંત થવાની સાથે સ્વચ્છતા એ માત્ર પ્રવૃત્તિ જ નહીં, પરંતુ જીવનશૈલી છે, તેવું લોકો સ્વીકારતા થયા છે. આ સફાઈ અભિયાન નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પણ જોડાયા હતા.