પાવીજેતપુર તાલુકાના બારાવાડ અને ખાંડયાકુવા વચ્ચે આવેલ દર ચોમાસે ધોવતું નાળું પાકું બનાવવા જનતાની માંગ
પાવીજેતપુર તાલુકાના બારાવાડ નજીક આવેલ નાળું દર ચોમાસામાં ધોવાઈ જતા ૧૫ થી વધુ ગામોની જનતાને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ નાળું પાકું બનાવવાની માંગ આ વિસ્તારની જનતા કરી રહી છે.
પાવીજેતપુર તાલુકાના બારાવાડ અને ખાંડીયાકુવા વચ્ચે આવેલું નાળું દર ચોમાસામાં ધોવાઈ જતા સામે બાજુના ખાંડીયાકુવા, ગૈડીયા, પોલનપુર, વાંટા, ખડકલા વગેરે ૧૫ થી વધુ ગામોની જનતા ને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. દર ચોમાસામાં આજુબાજુના ગામના લોકો ભેગા થઈ માટી કામ કરી ચાલુ કરે છે. આજુબાજુથી માટી પણ ધોવાઈ ગઈ હોય, રસ્તો સાંકડો થઈ ગયો હોય, આ રસ્તો ઉપરથી મોટા વાહન પણ પસાર થતા હોય ત્યારે તંત્ર આ અંગે વિચારી ધોવાઈ ગયેલા નાળા ઉપર હાલ માટી કામ કરવામાં આવ્યું છે, તેવા ખખડધજ થઈ ગયેલા નાળાના સ્થાને પાકું નાળું બનાવી આપે અથવા નાનો પુલ બનાવી આપે તો આ વિસ્તારની જનતા માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઇ શકે તેમ છે.
આમ, પાવીજેતપુર તાલુકાના બારાવાડ નજીક આવેલ નાળું દર ચોમાસામાં ધોવાઈ જાય છે જેનાથી ૧૫ થી વધુ ગામડાઓનો સીધો સંપર્ક તાલુકા થી છૂટી જાય છે. હાલ પણ આ ના ઉપર માટી કામ કર્યું છે જેની ઉપર રેલિંગ કે પેરાફિટ બનાવેલ નથી ત્યાં થી કોઈ પણ નાળામાં પડી શકે છે અને મોટી હોનારત થઈ શકે તેમ છે. આ નાળા ઉપરથી નિશાળે જતાં નાના બાળકો પણ પસાર થાય છે. તો તંત્ર યુદ્ધના ધોરણે ઘટતું કરે તેવી આ વિસ્તારની જનતા ની બુલંદ માંગ ઉઠી છે.