ડીસાની શ્રીજી વિલા સોસાયટીમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન દુર્ગાષ્ટમીના દિવસે ચાચર ચોકને ફૂલો અને રંગબેરંગી લાઇટ્સથી શણગારી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 74 મકાનના રહીશોએ સાથે મળી મહાઆરતી કરી માતાજીની આરાધના કરી હતી.
ડીસામાં નવરાત્રીની ઉજવણી હવે અંતિમ ચરણોમાં છે, ત્યારે અલગ અલગ સોસાયટીઓમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન અનેક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. જેમાં શ્રીજી વિલા સોસાયટીમાં પણ છેલ્લા 9 વર્ષથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
જે અંતર્ગત ગઈકાલે દુર્ગાષ્ટમીના દિવસે શ્રીજી વિલાસ સોસાયટીના રહીશોએ સાથે મળી ચાચર ચોકને રંગબેરંગી ફૂલો અને લાઇટ્સથી શણગારવામાં આવ્યો હતો. ત્યાર બાદ બાળકો, મહિલાઓ, વડીલો સહિત તમામ લોકોએ સાથે મળી મહાઆરતી કરી હતી.
આ દુર્ગાષ્ટમીની ઉજવણી અંગે સોસાયટીના પ્રમુખ વિષ્ણુ પંચાલ અને આગેવાન અશોક પટેલે જણાવ્યું હતું કે, તેમની સોસાયટીમાં નવ વર્ષથી બધા જ લોકો સાથે મળી નવરાત્રી સહિતના તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરે છે.