પાવીજેતપુર ના જોગપુરા ગામની સીમમાં આવેલ કોતર પાસેથી પાંચ ફૂટ લાંબો મગર પકડાયો
પાવીજેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાં આવેલ જોગપુરા ડુંગર ની સીમની નજીક આવેલ કોતર પાસેથી પાંચ ફૂટ લાંબો મગર મોડી રાત્રે વન વિભાગના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટાફની મદદથી પકડી પાડી સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો.
પાવીજેતપુર તાલુકાના જોગપુરા ગામની સીમમાં ૧૦ ઓક્ટોબર ની મોડી રાત્રી દરમિયાન કોતર નજીક ખેતરના છેડે પાંચ ફૂટ લાંબો મગર શિકારની શોધમાં નીકળી આવેલ હતો. જે જોતા લોકો સ્વાભાવિક રીતે જ ગભરાઈ ગયા હતા.તાત્કાલિક આ અંગે વન વિભાગ ને જાણ કરવામાં આવતા કદવાલ ફોરેસ્ટર તથા સ્થાનિક રોજમદારો અને વનમિત્રો તાત્કાલિક ઘટના સ્થળે દોડી પોહંચ્યા હતા. ત્યારબાદ આરએફઓ ના માર્ગદર્શન હેઠળ મગરના બચાવની કામગીરી હાથ ધરેલ હતી. જેમાં વન વિભાગ નો સ્ટાફ,વન મિત્રો તથા પબ્લિક કંટ્રોલ કરવા આવેલ પોલીસ કોન્સ્ટેબલ ની મદદથી મધ્યરાત્રીએ મગરની ઉપર ખાટલો ઊંધો વારી દઈ, દબાવી દઈ મહા મુશિબતે મગર ને પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે તેને વાહનમાં રેન્જ કચેરી ખાતે લાવી તેની તપાસ કરી ૧૧ ઓક્ટોબર ના રોજ તેને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.
આમ, પાવીજેતપુર તાલુકાના જોગપુરા ની સીમમાં આવેલ કોતર નજીકથી ૫ ફૂટ લાંબો મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો.