પાટણ તાલુકાના હાજીપુર ગામે મહાકાળી માતાજીના મંદિરમાં રૂ. 1.44 લાખના સોનાના ત્રણ છત્તરની ચોરીની ઘટનામાં એસ.ઓ.જી પોલીસે 80 વર્ષના એક વૃદ્ધ સાધુને પકડી પાડ્યો છે. તેની પૂછપરછ કરી રાજસ્થાનના માઉન્ટ આબુમાં અગ્નેશ્વર મહાદેવ મંદિરમાં થયેલી છતરની ચોરીનો પણ ભેદ ઉકેલ્યો છે.

મહાકાળી ધામ આશ્રમમાં રામેશ્વર મહાદેવ સરસ્વતી માતા અને રત્ના સાગર હનુમાનજી મંદિરમાંથી ધોળા દાડે સોનાના રૂ 1.44 લાખના ત્રણ છત્તરની ચોરી થતા પાટણ એસ.જી.પી.આઈ આર.જી ઉનાગર તેમની ટીમ અને બાલીસણા પોલીસ સાથે તપાસમાં હતા તે વખતે પોલીસને બાતમી મળી હતી કે હાજીપુર ગામે થયેલી મંદિર ચોરી ના સીસીટીવી ફૂટેજમાં દેખાતા શખ્શ હાલમાં દિઘડી પાસે આવેલા સધી માતા ના મંદિર પાસે આવેલો છે બાતમી આધારે પોલીસે તેને પકડી લીધો હતો અને તેની તપાસ કરતા તેની પાસેથી સોના ચાંદીના છતર મળી આવતા પોલીસે તેની પૂછપરછ કરી હતી. પાલીતાણા તાલુકાના સનાવા ગિરનારી આશ્રમ ખાતે રહે છે અને તેનું નામ હરિભાઈ કાનાભાઈ છત્રાલિયા ઉર્ફે દશરથ ગીરી ગુરુ ચંદન ગીરી સાધુ (80) હોવાનું જણાવ્યું હતું પોલીસે વધુ પૂછપરછ કરતાહાજીપુર અને માઉન્ટ આબુ ખાતે થયેલી ચોરીના આ છત્તર હોવાની કબુલાત કરી હતી.

આ અંગે એસઓજીપીઆઈ આર જી ઉનાગરે જણાવ્યું હતું કે, આ વૃદ્ધ સામે 1988 માં પાલનપુર અને 1992 માં ડીસા ખાતે ચોરીનો ગુનો દાખલ થયેલો છે. ચોરીના કેસમાં તેને સજા થયેલી છે. ત્યારબાદ તેણે સંન્યાસ લઈ લીધો હતો તેણે હાજીપુર ખાતે મહાકાળી માતા મંદિરમાંથી સોનાના ત્રણ છતર અને માઉન્ટ આબુ અગ્નેશ્વર મહાદેવ મંદિરમાંથી ચોરી કરી હતી.