સ્પર્ધાત્મક પરીક્ષા માટે મોંઘાઘાટ ટ્યુશન ક્લાસીસની જરૂર નથી, પરંતુ આત્મવિશ્વાસ અને કઠોર મહેનત સફળ પરિણામ લાવી આપે છે. જેનું જીવંત ઉદાહરણ નખત્રાણાના સારસ્વત બ્રાહ્મણ પરિવારના જિતેનભાઇ સુભાષભાઈ જોશીએ પૂરું પાડ્યું છે. આ યુવાને ઘેર બેઠા અભ્યાસ કરીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવામાં આવતી અને ખૂબ જ કઠિન ગણાતી, સિવિલ જજ અને જે.એમ.એફ.સી. (જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ )ની મુખ્ય પરીક્ષા તથા મૌખિક ઇન્ટરવ્યૂ પ્રથમ પ્રયત્ને પાસ કર્યું છે.
બાળપણમાં ફિલ્મ જોઈ ન્યાયાધીશ બનવાનું સ્વપ્ન જોયું
પિતાનો નખત્રાણામાં સાગર સ્ટુડિયો નામથી ફોટોગ્રાફીનો વ્યવસાય છે, તેમાં ફોટો પાડવાનો શોખ યુવાનને વારસામાં જ મળ્યો હતો. અભ્યાસની સાથે-સાથે ફોટો ક્ષેત્રે પણ હાથ અજમાવ્યો હતો. પરંતુ બાળપણમાં ફિલ્મોમાં જોયેલા અદાલતના દૃશ્યોમાં થતી વકીલોની ધારદાર દલીલ અને ન્યાયાધીશ તરફથી આપવામાં આવતા ન્યાયને જોઈ, ભવિષ્યમાં પોતે પણ ન્યાયાધીશ બનીને ન્યાય આપવાનું સ્વપ્ન જોયું હતું.
દરરોજ બે થી ત્રણ કલાક નિયમિત વાંચન કરતો હતો
મધ્યમ વર્ગીય પરિવાર પિતા સુભાષભાઈ જોશી, માતા હંસાબેન અને ભાઈ સ્વ.પ્રશાંત જોશી તરફથી આ માટે સતત પ્રેરણા પૂરી પાડવામાં આવતી. દસમા ધોરણ સુધી ફોટોગ્રાફીના શોખને વળગી રહ્યા બાદ વર્ષ 2009માં બી.કોમ. પાસ કરી, સ્પર્ધાત્મક પરીક્ષાઓની સતત તૈયારીમાં વ્યસ્ત રહ્યા હતા. મોંઘીદાટ ફી આપીને અથવા નામના ધરાવતા ટ્યુશન ક્લાસીસમાં એડમિશન લીધા વિનાજ જીતેન જોશી દરરોજ બે થી ત્રણ કલાક નિયમિત વાંચન કરતા હતા. વર્ષ 2015 થી 2022 સુધી વકાલતની પ્રેક્ટિસ સાથે નિયમિત રીતે ઈન્ટરનેટના માધ્યમથી અને અનુભવી વકીલ મિત્રોના માર્ગદર્શન સાથે ઘરે બેઠા વાંચન કરીને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા. જેમાં તલાટી, નાયબ મામલતદારથી લઈ યુપીએસસી જેવી પરીક્ષાઓ પણ આપેલી.
પ્રારંભિક નિષ્ફળતા બાદ પણ હિંમત હાર્યા ન હતા
ગુજરાત હાઇકોર્ટ તરફથી લેવામાં આવતી સિવિલ જજની પરીક્ષા પાસ કરવાના નિર્ધાર સાથે યુવાને પોતાના બાળપણના સ્વપનને હકીકતમાં બદલાવા માટે ,ત્રણ તબક્કામાં લેવામાં આવતી સિવિલ જજની પરીક્ષાની તૈયારી કરી હતી. પ્રારંભિક નિષ્ફળતા બાદ પણ હિંમત હાર્યા ન હતા અને તૈયારીઓ ચાલુ રાખી હતી. અંતે આ વર્ષે સિવિલ જજની મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં પ્રથમ પ્રયત્ને જ પસંદગી પામતા, આગામી ટૂંક સમયમાં તેઓ મેજિસ્ટ્રેટ તરીકેની કામગીરી કરતા જોવા મળશે.
આ હોદ્દા સુધી પહોંચવા માટે તેમણે તેમને તેમના પરિવારે ઘણો સંઘર્ષ કર્યો છે. પોતાના પરિવારના સભ્યો સાથે હરવા ફરવાના બદલે એકાંતમાં વાંચન કરતા હતા. પત્ની પુનમબેન અને નાનકડો પુત્ર પ્રણવ જોશી પણ તેમને વાંચન માટે યોગ્ય સવલતો પૂરી પાડતા હતા. સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે કોઈ પણ યુવાનને જરૂરી માર્ગદર્શન આપશે તેમ જણાવતા બાદલ જોશીએ જણાવ્યું હતું કે, ઘણું બધું અને આખો દિવસ વાંચવાના બદલે ચોક્કસ આયોજન બનાવીને માત્ર બે થી ત્રણ કલાક વાંચીને પણ સફળતા મેળવી શકાય છે. જો નિષ્ફળતા મળે તો હિંમત હાર્યા વિના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. સફળતા જરૂર મળે છે.