ડીસામાં રિટાયર્ડ રેલવે કર્મચારીના ખાતામાંથી એક જ ગેસ બીલના નાણાં ત્રણ વખત ચૂકવાઈ જતા બિલ સિવાયના નાણાં પરત ન આપનાર કંપની સામે ફરિયાદ થઈ હતી. જેમાં ગ્રાહકોની રજૂઆતો ન સાંભળનાર જાણીતી ઘરેલુ ગેસ વિતરક કંપની આઈ.આર.એમ.એનર્જી પ્રા. લી. વિરુદ્ધ બનાસકાંઠા ગ્રાહક અદાલતે ચુકાદો આપીને ગેસ વિતરક કંપનીને પાઠ ભણાવ્યો છે.
ડીસામાં રહેલા નિવૃત રેલવે કર્મચારી હરેશભાઈ કાલેટ આઈ.આર.એમ. એનર્જી પ્રા.લી. દ્વારા પ્રદત્ત ગેસ કનેક્શન ધરાવે છે અને ગેસ ઉપયોગના તમામ બિલોની ચુકવણી નિયત સમય મર્યાદામાં કરે છે, પરંતુ ગત ફેબ્રુઆરી-માર્ચ 2022માં તેમને મળેલ બિલની રકમ રૂ. 2041ની ચુકવણી તેમણે યુ.પી.આઈ. એકાઉન્ટના માધ્યમથી કરવા પ્રયાસ કરતાં બે વખત ટ્રાન્જેક્શન ફેઇલ બતાવેલા. જેથી તેઓએ તેમના મિત્રના યુ.પી.આઈ એકાઉન્ટમાંથી ગેસ બિલ ચૂકવી દીધું હતું, પરંતુ તેમના બચત ખાતામાંથી પણ નાણાં કપાઈ જતા તેઓએ બેન્કમાં તપાસ કરતા કપાયેલ નાણાં ગેસ કંપનીના ખાતામાં જમા થયા હોવાનું જણાવતા ગ્રાહકે આઈ. આર. એમ. એનર્જી પ્રા.લી.ની કચેરીનો સંપર્ક કર્યો હતો. એક જ ગેસ બિલના નાણાં ત્રણ વખત તેઓને મળેલા હોવાથી વધારાના બે ટ્રાન્જેક્શનના નાણાં રૂ. 4,082/- રિફંડ કરવા આજીજી કરેલી.
ગેસ વિતરક કંપનીએ ગ્રાહકની કોઈપણ વાત સાંભળવાથી ઇનકાર કરતા ગ્રાહકે જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવલકાર કિશોર દવે દ્વારા આઈ. આર. એમ. એનર્જી પ્રા. લી.ની ડીસા શાખાને તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને ગ્રાહક સુરક્ષા અધિનિયમની જોગવાઇઓ હેઠળ નોટિસ આપી ગ્રાહકના નાણાં પરત કરવા તાકીદ કરી હતી.
ગ્રાહક હિતોની અનદેખી કરનાર આઈ. આર. એમ. એનર્જી પ્રા.લી.ની ડીસા શાખાએ ગ્રાહકના નાણાં પરત ન કરતાં આ મામલે બનાસકાંઠા ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી અને ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રીતેશ શર્માએ ધરધાર રજૂઆત કરતાં બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતના પ્રમુખ એન.પી. ચૌધરી, સભ્ય બી. જે. આચાર્ય અને એમ.એ. સૈયદની જ્યુરીએ દલીલોને તેમજ બેન્ક ટ્રાન્જેક્શનના નાણાં આઈ. આર. એમ. એનર્જી પ્રા. લી.ને ચૂકવી આપવાની કબૂલાતને ધ્યાને લઈ ગેસ વિતરક કંપનીની સેવામાં ખામી અને અનૈતિક વ્યાપાર પ્રથા હોવાનું ઠરાવી ગ્રાહકના બે વખત ફેઇલ થયેલા ટ્રાન્જેક્શનના કુલ નાણાં 4,082 રૂપિયા 9% વ્યાજ સહિત તેમજ ખર્ચ અને માનસિક ત્રાસના 4,000 મળી કુલ રૂપિયા 8,633 ચૂકવી આપવા હુકમ ફરમાવેલો છે.