ડીસામાં આખોલથી ભડથ સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હોવાથી અહીંથી પસાર થતા પશુપાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનો સહિત હજારો લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. તેમજ વારંવાર રજૂઆત બાદ કોઈ જ કાર્યવાહી ન થતા આજે આમ આદમી પાર્ટીના આગેવાનો સહિત ગ્રામજનોએ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ડીસા તાલુકામાં આખોલથી ભડથ સુધી સુધીનો માર્ગ છેલ્લા બે વર્ષથી ખરાબ હાલતમાં છે. 10 કિલોમીટર સુધીના આ માર્ગ પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ માર્ગ પર ડાવસ, મહાદેવિયા, તાલેપુરા, ધાનપુરા, ઢાણી, ગેનાજી ગોળીયા સહિત આઠ જેટલા ગામડાઓ આવેલા છે અને રોજના 25 થી 30 હજાર જેટલા લોકો આ માર્ગ પરથી અવર-જવર કરે છે. પરંતુ રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી પશુપાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત હજારો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે. જ્યારે ડાવસથી ગામમાં જતા માર્ગ પર પણ કોન્ટ્રાક્ટરે મેટલ પાથર્યા બાદ રોડ ન બનાવતા ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે.

આ મામલે સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. આથી કંટાળેલા ગ્રામજનો સહિત આમ આદમી પાર્ટીના આગેવાનોએ રેલી યોજી સરકાર વિરોધી નારા લગાવી આવેદનપત્ર આપ્યું હતું અને ઉબડ ખાબડ અને ખાડાવાળા રસ્તાઓમાં જાણે પટકાઈ ઇજાગ્રસ્ત થયા હોય તેમ પ્રતિકાત્મક રીતે હાથે અને પગે પાટા બાંધી નાયબ કલેક્ટરને રજુઆત કરી તેમની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે.

આ અંગે આમ આદમી પાર્ટીના ઉત્તર ગુજરાતના પ્રભારી ડોક્ટર રમેશ પટેલે જણાવ્યું હતું કે, આખોલથી ભડથ સુધીના ખરાબ માર્ગથી રોજના 30,000 થી વધુ લોકો પરેશાન થઈ ગયા છે. જેથી આજે અમે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે અને જો તંત્ર તેમની સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સાથે જ તેમણે વિકાસની વાતો કરતા ભાજપના નેતાઓને ડિસા તાલુકામાં એક પણ માર્ગ ખાડા વગરનો બતાવે તો 11000 રૂપિયા આપી તેમનું જાહેરમાં સન્માન કરવાની ચેલેન્જ પણ કરી હતી.

જ્યારે આ સમસ્યા બાબતે નાયબ કલેક્ટર નેહા પંચાલે જણાવ્યું હતું કે, અમે જે તે સરકારી વિભાગને આ અંગે ધ્યાન દોરીશું અને ગામ લોકોની સમસ્યા તાત્કાલિક સોલ્વ થાય તે માટે પ્રયત્ન કરીશું.