પાવીજેતપુર થી રંગલી ચોકડી ના ડાયવર્ઝન ઉપર આવતા પુલોના બંને છેડાઓ ઉપર ખાડા પડી જતા વાહનચાલકો પરેશાન
પાવીજેતપુર થી રંગલી ચોકડી સુધી ના ડાયવર્ઝન રસ્તા ઉપર આવતા પુલોના બંને છેડાઓ ઉપર મોટા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
પાવીજેતપુર નજીક ભારજ નદીના પટમાં જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જે નદીના પાણીના વહેણમાં તણાઈ જતા ડાયવર્ઝન બંધ થઈ જતા રસ્તો સદંતર બંધ કરી દેવો પડ્યો છે. સ્વાભાવિક રીતે જ આ રસ્તો બંધ થઈ જતા ફોરવીલ સાધનો જે નદીના પટમાં થઈ જનતા ડાયવર્ઝન ઉપર થઈ પસાર થતા હતા તે વાહનો પણ હવે પાવીજેતપુર વન કુટીરથી રંગલી ચોકડી સુધીનો જે આપેલો ડાયવર્ઝન છે તેની ઉપરથી પસાર થવું પડી રહ્યું છે રસ્તો તો સાવ ખખડધજ થઈ જ ગયો છે. ગાડીને ખાડામાં પડતા કેવી રીતે બચાવવી એ એક પ્રશ્ન થઈ ગયો છે. પરંતુ પાવીજેતપુર થી રંગલી ચોકડી વચ્ચે રતનપુર પુલ અને ચુડેલ નો પુલ આવેલ છે. આ બંને પુલોના બંને છેડાઓ ઉપર મસ મોટા ખાડા પડી જવા પામ્યા છે. જે ખાડા નો વાહન ચાલકોને અંદાજ આવતો નથી અને ધડાકા સાથે પોતાની ગાડીઓ એ ખાડામાં ઠપકાય છે, અને મોટું નુકસાન થાય છે. ખખડધજ રસ્તાથી તો લોકો ત્રાસી જ ગયા છે પરંતુ આ ડાયવર્ઝન ઉપર આવેલા બંને પુલોના બંને છેડા ઉપર મોટા ખાડા પડી જવાના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તો તંત્ર યુદ્ધના ધોરણે આ ખાડાઓમાં પુરાણ કરાવી તેમજ રસ્તા ઉપર પડી ગયેલા ખાડાઓમાં તાત્કાલિક ધોરણે નાની-મોટી, ઝીણી કપચીઓ નાખી પુરાણ કરાવે તેવી આ વિસ્તારની જનતાની બુલંદ માંગ ઉઠી છે.