મારા પાડોશમાં એક વૃદ્ધ માણસ રહેતા હતા. પરિવાર સાથે રહેવા છતાં તેઓ એકલવાયું જીવન જીવતા હતા. સમય મળતાં હું અવારનવાર એમની પાસે જતી અને એમની સાથે વાતચીત કરતી. 

          એક દિવસ વાતચીત દરમિયાન વૃદ્ધ માણસો જીવન અંગે શું વિચારે છે એ જાણવા મેં પૂછ્યું, "દાદાજી, તમે જીવનનો મોટો હિસ્સો જીવો લીધો છે અને હવે તમે વૃદ્ધ થઈ ગયા છો તો તમે જીવન વિશે શું અનુભવો છો?"

           દાદાજી પોતાની કરચલીવાળી આંખો જરા ઝીણી કરી ઘડીભર તો મને જોતા રહ્યા અને પછી કહ્યું, "પણ બેટા, હું વૃદ્ધ થયો જ ક્યાં છું? મેં તો માત્ર મારા શરીરને બાળકમાંથી યુવાન, આધેડ અને વૃદ્ધ થતાં જોયું છે. હું અંદરથી તો હજુ એ જ બાળક છું."

             હું સ્તબ્ધ થઈ ગઈ કેમકે એમની વાત સાચી હતી. શરીર વૃદ્ધ થાય છે પણ આત્માની ઉંમર ક્યાં વધે છે? આત્મા તો હંમેશા એવો ને એવો જ રહે છે.

             વૃદ્ધ માણસોમાં પણ એક બાળક છુપાયેલું હોય છે અને દરેક બાળક પ્રેમ ઈચ્છે છે તો મિત્રો, હવે પછી તમે જ્યારે પણ કોઈ વૃદ્ધને મળો ત્યારે એની અંદર છુપાયેલા બાળકને ઓળખી એને પ્રેમ આપવાનું ન ભૂલશો.

આભાર

ભાવાનુવાદ: પ્રેરણા

(ઈન્ટરનેટ પર ઉપલબ્ધ એક અંગ્રેજી વાર્તા પરથી)