બનાસકાંઠામાં ડીસા પોલીસે સાતમના દિવસે જુગારીઓ પર તવાઈ વરસાવી છે. અલગ અલગ ત્રણ જગ્યાએ રેડ કરી 25 જુગારીઓને ઝડપી પાડ્યા ,છે તેમજ રોકડ સહિત 1.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસામાં શહેર ઉત્તર અને તાલુકા પોલીસે અલગ અલગ ત્રણ જગ્યાએ રેડી કરી જુગારીઓને ઝડપી પાડ્યા છે. જેમાં શહેર ઉત્તર પોલીસ સાતમના દિવસે સાંજે પેટ્રોલિંગમાં હતી, તે સમયે ગુલબાણી નગર વિસ્તારમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે ગુલબાણી નગર પાસે આવેલા એક મકાનના આગળના ભાગે તપાસ કરતા તીન પત્તીનો જુગાર રમતા 6 શખસોને ઝડપી લીધા હતા. પોલીસે તમામ જુગારીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સિવાય ડીસા તાલુકા પોલીસે પણ બે અલગ અલગ ગામમાં રેકી કરી હતી. જેમાં સમો નાના ગામની સીમમાં આવેલા એક ખેતર પર રેડ કરી હતી. જ્યાં ખેતરમાં આવેલી ઓરડી આગળ કુંડાળુ કરીને જુગાર રમી રહ્યા હતા. રેડ કરતા કેટલાક શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા જ્યારે પોલીસે 11 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ જુગાર રમતા તમામની અટકાયત કરી રોકડ રકમ, ત્રણ મોબાઇલ અને બે બાઈક જપ્ત કર્યા હતા.

આ સિવાય જાવલ ગામેથી પણ જુગારીઓ ઝડપાયા હતા. ત્યાં પોલીસને માહિતી મળતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી અને જાવલ ગામની સીમમાં આવેલી કેનાલ પાસે જુગાર રમતા 8 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. અહીંથી પોલીસે એક બાઈક, ત્રણ મોબાઈલ અને રોકડ રકમ જપ્ત કરી તમામ શખ્સો સામે જુગારધારા મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આમ ડીસા શહેર ઉત્તર પોલીસ અને તાલુકા પોલીસે સાતમના દિવસે રાત્રિ દરમિયાન અલગ અલગ ત્રણ જગ્યાએ રેડી કરી 25 જુગારીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે તેમની પાસેથી બાઈક, મોબાઈલ અને રોકડ રકમ 1.28 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.