ગોધરા ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રતાપસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં પી.એચ.ડી પ્રવેશ પરીક્ષા અંગે કોર કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં જુદા જુદા ૧૯ જેટલા વિષયો માટે આગામી સમયમાં લેવાનાર પી.એચ.ડી.ની પ્રવેશ પરીક્ષા બાબતે વિસ્તારથી ચર્ચા કરાઈ હતી.વિસ્તારના જુદા જુદા વિષયના વિદ્યાર્થીઓને આવેલી આ તકને ઝડપી સંશોધન ક્ષેત્રે વધુમાં વધુ આગળ વધે અને સમગ્ર પંચમહાલ સહિત મધ્યગુજરાતનું ગૌરવ વધારે તેવી અપીલ કુલપતિશ્રી દ્વારા કરવામાં આવી હતી. અત્યારે યુનિવર્સિટી ખાતે પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ માટે પ્રવેશ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ અને જરૂરી સૂચનાઓ પણ યુનિવર્સિટીની વેબસાઈટ પર મુકાઈ છે. સંભવતઃ  ઓક્ટોમ્બરના પહેલા કે બીજા અઠવાડિયામાં આ પ્રવેશ પરીક્ષાનું આયોજન થાય તે પ્રકારના દિશા નિર્દેશો કમિટી દ્વારા સૂચવવામાં આવ્યા હતા તેમ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તરફથી એક અખબારી યાદીમાં જણાવ્યું છે.