મુળી તાલુકાના ગઢડા ગામેથી મળી આવેલી યુવાનની લાશના પ્રકરણમાં પોલીસે ચાર શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણ આરોપીને ઝડપી પાડયા છે.ગઢડા ગામે વાવા નામથી ઓળખાતી સીમમાં વેલાભાઇ ભરવાડની વાડી પાસેથી ગત તા. 26 ઓગસ્ટનાં રોજ યુવાનની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે એ.ડી. દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતક ભાવેશજી ઠાકોર હોવાનું જાણવા મળ્યુ હતુ અને તેની હત્યા થઇ હોવાનું ખુલ્યુ છે.જેમાં મહેસાણાનાં વિસનગર તાલુકાના ગોઠવા ગામના શખ્સની સંબંધીની યુવતી એક દિવસ પહેલા તેમના ગામથી નાગજીભાઇ નામના શખ્સ સાથે ભાગી ગઈ હોવાથી અને તે મુળી તાલુકાનાં સડલા ગામ પાસે આવેલા રેતીનાં ચાયણે હોવાની જાણ થતા ફરિયાદી તથા અન્ય લોકો શોધવા માટે આવ્યા હતા. ત્યારે તેમની યુવતી ત્યાં હાજર હતી પણ સાથે આવવાની ના પાડતા અને બુમો પાડતા સડલાના રાહુલ ઠાકોર, ગઢડાનો દિલાભાઇ ભરવાડ, સુનિલ અને નાગજી ભરવાડ આવી ગયા હતા અને આ ચારેયે હુમલો કરતા ભાવેશજીને લાકડાના ધોકાના ઘા મારતા ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું હતુ. પોલીસે હત્યાનો ગુનો નોંધી રાહુલ ઠાકોર, દિલા ભરવાડ, અને સુનિલને ઝડપી પાડયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.