વડગામ તાલુકાના નાવીસણા ગામે આવેલ રિસોર્ટ પર કબજો જમાવવા પિસ્તોલ,તલવાર સહિતના હથિયારો સાથે ધસી આવેલા શખ્સોએ રિસોર્ટના માલિકોને બહાર કાઢી તોડફોડ કરી હતી.આ બનાવને લઈ ચકચાર મચી ગઈ હતી.આ બનાવ બાદ ચાર લોકો નામજોગ તેમજ અન્ય સાત શખસો વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવતા છાપી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જેમાં પાંચ લોકોની સોમવારે અટકાયત કરી હતી.

વડગામના નાવીસણા ગામે આવેલ નાવીસણા રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક સાહેદાબેન સોકતભાઈ થરાદરા પાસેથી લખમનસિંહ દોલાજી ચૌહાણે ખરીધ્યો હતો. જ્યારે ખેતીની જમીન મુસ્તુફાભાઈ નશિરભાઈ ઢાપા (રહે.ઇલોલ,તા.હિંમતનગર) એ ખરીદી હતી. આ સમગ્ર મામલે નાવીસણા ગામના રિયાઝભાઈ લોહણીએ કહેલ કે તમો બહાર ગામના હોઈ તમોએ અમારા ગામમાં કેમ રિસોર્ટ તેમજ જમીન ખરીદી છે તેમ કહી રિસોર્ટની સંભાળ રાખતા ભવાનસિંહને હેરાન કરતા હતા. જ્યારે શનિવાર રાત્રે અચાનક વાહનો લઇ દશેક શખસોનું ટોળું તલવારો, લાકડીઓ જેવા ઘાતક હથિયારો લઇ રિસોર્ટમાં ઘૂસી તોડફોડ કરી કબ્જો કરી રિસોર્ટમાં રહેતા લોકોને બહાર તગેડી મૂકી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

સમગ્ર મામલાની જાણ છાપી પીએસઆઇ એસ.જે.પરમારને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. આ સમગ્ર ઘટના સંદર્ભે ગેરકાયદેસર રિસોર્ટમાં ઘુસી તોડફોડ કરનાર ચાર શખસો સામે નામ જોગ તેમજ અન્ય સાત સામે તોડફોડ, જાનથી મારી નાખવાની ધમકી અંતર્ગત લખમનસિંહ ચૌહાણ (રહે.વરવાડિયા,તા.વડગામ) દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.રિસોર્ટમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તોડફોડ કરનાર પાંચ હુમલાખોરોને પોલીસે દબોચ્યા હતા.અને તેમને પાસેથી પોલીસે બે જીવતા કાર્ટુસ તેમજ પિસ્તોલ કબ્જે કરી હતી.

રિસોર્ટ ઉપર હુમલો કરી તોડફોડ કરવાના માસ્ટર માઈન્ડ ગણાતા આરોપી રિયાઝખાન આઝમખાન લોહણીએ દ્વારા પિસ્તોલ આપવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જોકે માસ્ટર માઈન્ડ ગણાતા રિયાઝખાન લોહણી ઘટના બાદ ફરાર થઇ ગયો હોવાનું પીએસઆઇ એસ.જે.પરમારે જણાવ્યું હતું .

આ હુમલાખોરને પોલીસે દબોચ્યા

(1) સંજય નાનજીભાઈ ડાભી (રહે.નાવીસણા,તા.વડગામ)

(2) જમશેરખાન ઉર્ફે જમસો મોહમદખાન બિહારી (રહે.જૂની નગરી,તા.વડગામ)

(3) આમીરખાન અકબરખાન બિહારી (રહે.મોરિયા,તા.વડગામ)

(4)કાસમખાન ઉર્ફે ફોજી મોજમખાન ચૌહાણ (રહે.હડમતીયા)

(5) રહીમખાન ઇબ્રાહિમખાન લુહાણી (રહે.વાસણા સેંભર)

પિસ્તોલ,તલવારો સહિતના હથિયારો સાથે ધસી આવેલા હુમલાખોરોએ રિસોર્ટના માલિકોને બહાર કાઢી તોડફોડ કરી