ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર આજે સાંજે સ્વીફ્ટ કારચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાઈકચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર આજે વધુ એક અકસ્માતની ઘટના બની છે. જેમાં એક બાઈકસવાર યુવક હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે સ્વીફ્ટ કારચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકચાલક યુવક રોડ પર પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના વાહનચાલકો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને રોડની સાઈડમાં ખસેડી રાહત કામગીરી શરૂ કરી હતી.

અકસ્માત થયો હોવાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.