ડીસામાં એલિવેટેડ બ્રિજમાં નીચેથી પસાર થતા રોડ પર ઠેર-ઠેર થિંગડા મારવામાં આવ્યા છે. જેનાથી હેરાન વાહનચાલકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ અત્યાર સુધી કોઈ જ કાર્યવાહી ન થતા હવે ડીસાના જાણીતા ધારાશાસ્ત્રી સહિત 8 લોકોએ કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઇવે ઓથોરિટી સામે સીઆરપીસી 133 મુજબની ફરિયાદ દાખલ કરી છે.

ડીસામાં ઓવરબ્રિજ બન્યા બાદ પણ લોકોની પરેશાનીઓ દૂર થઈ નથી. ડીસામાંથી પસાર થતા એલિવેટેડના નિર્માણ કાર્ય દરમિયાન નીચેથી પસાર થતા રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા હતા અને આ બ્રિજનું કામ પૂરું થયા બાદ પણ કોન્ટ્રાક્ટરે આ ખાડાઓ પૂર્યા ન હતા. તે મામલે વારંવાર રજૂઆત બાદ આ કોન્ટ્રાક્ટરે નીચેના ખાડા પૂરવા માટે થિંગડા માર્યા છે, પરંતુ આ થિંગડાઓથી વાહનચાલકોની મુશ્કેલીઓ વધી ગઈ છે અને થિંગડાઓ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે ઝટકા સહન કરવા પડી રહ્યા છે.

 જેના માટે ડીસાના રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો અને વાહનચાલકોએ વારંવાર રજૂઆત કરી છે. તેમ છતાં પણ હજુ સુધી આ મામલે કોઈ જ કાર્યવાહી થઈ નથી. જેથી કંટાળેલા લોકોએ હવે નેશનલ હાઈવે ઓથોરિટી સામે વિરોધ દર્શાવ્યો છે અને આ મામલે ડીસાના 8 અરજદારો નાયબ કલેક્ટર કચેરીએ લેખિત રજૂઆત કરી નેશનલ હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર સામે સીઆરપીસી 133 મુજબની ફરિયાદ દાખલ કરી છે.

આ અંગે ફરિયાદી સુભાષ ઠક્કરે જણાવ્યું હતું કે, ડીસામાં જ્યારે ઓવરબ્રિજ બનેલો ત્યારે તેની કામગીરી દરમિયાન પિલરની આજુબાજુમાં જે મૂળ હાઈવે હતો. તેના પર બરાબર સમતોલ પેવરિંગ કામ ન થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થાય છે અને તેનો ટ્રાફિક સર્વિસ રોડ પર ડાયવર્ટ થતા સર્વિસ રોડ પર પણ ટ્રાફિકજામ થાય છે.

જેના માટે અમે કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઇવે ઓથોરિટી સામે સીઆરપીસી 133 મુજબની ફરિયાદ દાખલ કરી છે. હવે આશા રાખીએ કે તેમને નોટિસો ઇસ્યુ થયા પછી તેઓ યોગ્ય રીતે પેવરીંગ કામ કરી પહેલા જેવો રોડ બનાવે.