ભારજ નદી ઉપર નો પુલ બેસી જતા કેન્દ્ર પાસે ત્રણ વિકલ્પોની કરાયેલી માંગ : હજુ સુધી કોઈ નિર્ણય ન લેવાતા જનતાને ભારે હાલાકી
પાવીજેતપુર તાલુકામાં સિહોદ પાસે આવેલ ભારજ નદીના પુલનું સટલમેન્ટ થતાં ૨૯ જુલાઈ થી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના અનુસંધાને નેશનલ હાઇવે વિભાગ દ્વારા ત્રણ વિકલ્પો આપી પુનઃ રસ્તો ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લાની રિડની હડ્ડી સમાન નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર આવેલ પાવીજેતપુર તાલુકાના સિહોદ ગામે ભારજ નદી ઉપરનો પુલ એકા એક બેસી જતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. છેલ્લા ૨૩ દિવસથી આ રસ્તો બંધ થઈ જતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. કલેક્ટર દ્વારા જાહેરનામું પાડી વધુ એક મહિનો એટલે કે ૧૦/૦૯/૨૦૨૩ સુધી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે છોટાઉદેપુર જિલ્લાની જનતાને રંગલી ચોકડી થઈ બોડેલી સુધી પહોંચવું પડે છે. તેમજ ડુંગરવાંટ, વાંકી, ઉચાપાન, જાંબુઘોડા થઈ બોડેલી પહોંચવું પડે છે. તેથી ૩૫ કિલોમીટર જેટલું અંતર વધી જાય છે. આ રસ્તો બંધ થતાં પારાવાર હાલાકી નો સામનો જનતાને કરવો પડી રહ્યો છે.
બોડેલી નેશનલ હાઇવે વિભાગના અધિકારીઓ તેમજ વડોદરા નેશનલ હાઇવે વિભાગના અધિકારીઓ રોજેરોજ આ પુલ ઉપર આવી નિરીક્ષણ કરે છે. ઉપરથી સૂચના મળી હોય તે પ્રમાણે પુલની લેટેસ્ટ માહિતી એકત્ર કરવામાં આવે છે. દરરોજ આ અધિકારીઓ ભારજ નદી ઉપરના પુલની મુલાકાત લે છે. પુલ વધુ બેસે છે કે કેમ ? નિરીક્ષણ કરતા અધિકારીઓનું જણાવવું હતું કે આ પુલ વધુ બેસતો નથી. તેમજ ઉપરથી સૂચના મળી હતી કે પુલની નીચે જે પિલારો ખુલ્લા થઈ ગયા છે ત્યાં પથ્થરો નાખી પુરાણ કરાવી દેવું, તે પ્રમાણે પુરાણ કરી દેવામાં આવ્યું છે. તેમજ એક પિલર નીચેનું પુરાણ ની કામગીરી ચાલુ છે. આ પુલ નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર આવેલ હોય તેથી આ પુલની કામગીરી માટેનું ફંડ કેન્દ્ર સરકારમાંથી જ આવતું હોય છે. આ રસ્તો પુનઃ ચાલુ થાય તે માટે સ્થાનિક કક્ષાના અધિકારીઓએ આ પુલનું રીપેરીંગ કામ કરી લાઈટ વ્હિકલો ચલાવી શકાય એમ હોય તો તે ચાલુ કરવા. અથવા અન્ય ડ્રાઈવરજન આપી નવો રસ્તો ચાલુ કરવો તેમજ બાજુમાં નવો પુલ બનાવો આવા ત્રણ વિકલ્પો આપી ઉપર મંજૂરી માંગવામાં આવી છે. ગાંધીનગરથી સ્ટ્રકચર ડિઝાઇનર ની ટીમ આવી ફરી ઓબ્ઝર્વ કરે અને તેઓને યોગ્ય લાગે તો આ પુલ ઉપરથી ઓછા વજનવાળા સાધનો ને છૂટ આપી શકાય અથવા ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી ઉચ્ચ કક્ષાએ માંગ કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૩ દિવસના સમયથી છોટાઉદેપુર જિલ્લાની જનતા આ રસ્તા ને કારણે તોબા પોકારી રહી છે જેને લઇ પાવીજેતપુરમાં ગ્રાહાકીમાં પણ ખૂબ મોટો કાપ મુકાયો છે. જિલ્લાના ધારાસભ્યો, સંસદ સભ્યો, રાજ્યસભાના સભ્યોએ આ રસ્તાને યુદ્ધના ધોરણે પુનઃ ચાલુ થાય તેવી માંગ કરવામાં આવી છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી જેના કારણે છોટાઉદેપુર જિલ્લાની જનતા ત્રાહિમામ પોકારી રહી છે. આ રસ્તો ક્યારે ચાલુ થશે ? એ હજુ સુધી કોઈ જ નક્કર પરિણામ દેખાતું નથી. ઉચ્ચ અધિકારીઓ આવે અને યુદ્ધના ધોરણે કોઈ નિર્ણય લે તેવી છોટાઉદેપુર જિલ્લાની જનતાની બુલંદ માંગ ઉઠી છે.