સમગ્ર શિક્ષાની ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઠપ્પ : શાળાઓમાં પ્રવેશ લેનાર બાળકોની ઓનલાઈન નોંધણી બંધથી ભારે રોષ.. ગુજરાત રાજ્યમાં ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ બંધ હોવાથી સરકારી, ખાનગી અને અનુદાનિત શાળાઓમાં ધો. ૧ માં તથા બાલવાટિકામાં પ્રવેશ લેનાર બાળકોની નોંધણી તથા આધાર ડાયસ અપડેશન ન થતા રાજ્યભરના શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો છે..રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવા છાત્રોની તાત્કાલિક એન્ટ્રી કરીને કામગીરી પૂર્ણ કરવા સૂચના વારંવાર આપવામાં આવે છે. તા. ૧૬ અને ૧૯ જુનના રોજ રાજ્યભરના શિક્ષકોને એન્ટ્રી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારી વેબસાઈટ સર્વર સતત ઠપ્પ રહે છે. શૈક્ષણિક સત્ર શરૂ થયાને ૨૦-૨ ૦ દિવસ થવા છતાં બાલવાટિકા તેમજ અન્ય ધોરણના બાળકોની નોંધણી અને અપડેશન થતું ન હોવાથી અનેક શિક્ષકો જાહેર રજાઓના દિવસોમાં પણ ઘેર સતત ઓનલાઈન એન્ટ્રી પૂર્ણ કરવા પ્રયત્ન કરતા હોય છે પરંતુ વેબસાઈટ ઠપ્પ હોવાને કારણે નોંધણી થતી નથી અને સમયનો વ્યય થાય છે જેને કારણે શિક્ષકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.સતત માહિતી ઓનલાઈન કરવાના રોજે રોજ નવા ફતવા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે ત્યારે શિક્ષકો પોતાના વર્ગના બાળકોને ન્યાય આપી શકતા નથી. સોશ્યલ મીડિયા પર આ બાબતે અસંખ્ય memes વાઈરલ થઈ રહ્યા છે...