‘મારી માટી, મારો દેશ’ અભિયાન હેઠળ સુરત શહેર-તાલુકા, ગ્રામકક્ષાએ દસ દિવસ દરમિયાન ૧,૦૬,૩૯૦થી વધુ નાગરિકોએ જોડાઈને લીધી પંચપ્રણ પ્રતિજ્ઞા

ગ્રામ્ય, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ૫૯૫શિલાફલકમનું સ્થાપન કરવામાં આવ્યું.

વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત શહેર-જિલ્લામાં ૫૪૦૫૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને ૭૨૧ અમૃતવાટિકાઓનું નિર્માણ કરાયું.

 આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ભારતભરમાં 'મારી માટી, મારો દેશ' અભિયાને પૂરવેગ પકડ્યો છે. તા. ૯ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. તા.૧૭ અને ૧૮મી ઓગસ્ટે અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા. મહાનગરપાલિકામાં વોર્ડ વાઈઝ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુરત જિલ્લાની ૬૯૨ ગામો, ૯ તાલુકા પંચાયતો તથા ચાર નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકામાં મળી કુલ ૧,૦૬,૩૯૦ લોકો જોડાઈને પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં ૫૪,૦૫૦ વૃક્ષોનું વાવેતર કરી ૭૨૧ અમૃત વાટિકાઓ તૈયાર કરવામાં આવી છે. વીરોને વંદન કાર્યક્રમ હેઠળ ૫૫૫ વીરો શહીદોના પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા છે. 

     સુરત જિલ્લામાં ૬૯૨ ગામોમાં ૫૬૬ ગ્રામ પંચાયતો, ચાર નગરપાલિકાઓ તથા નવ તાલુકાકક્ષાએ તથા મ.ન.પા.ના ૧૬ વોર્ડ ખાતે મળી કુલ ૫૯૫ શિલાફલકમની સ્થાપના કરવામાં આવી છે. સમગ્ર અભિયાન દરમિયાન ૧,૮૯,૦૮૯ નાગરિકોએ પોતાની સેલ્ફી લઈને અપલોડ કરી છે. કાર્યક્રમો દરમિયાન મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો રાષ્ટ્રગાન અને ધ્વજ વંદન કાર્યક્રમમાં સહભાગી થયા હતા. હાથમાં મુઠ્ઠીભર માટી અથવા માટીનો દીવો રાખીને એક્તા અને અખંડિતતા માટે નાગરિકોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી છે.  

આમ, ગ્રામ્ય વિસ્તારોમાં ‘મારી માટી, મારો દેશ‘ અભિયાનને સફળતા મળ્યા બાદ તા.૨૦ ઓગષ્ટ સુધી સુરત મહાનગરપાલિકાના વોર્ડ વાઈઝ કાર્યક્રમો યોજાય રહ્યા છે. સમગ્ર કાર્યક્રમોમાં મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો-સદસ્યો, કોર્પોરેટરો, સરપંચો, આંગણવાડીની બહેનો, પોલીસ વિભાગના અધિકારીઓ, શિક્ષકો-વિદ્યાર્થીઓ જોડાયા હતા.