ડીસા તાલુકાના મામલતદાર કચેરીના ઝેરડા સર્કલ ઓફિસર અને નિવૃત્ત તલાટી લાંચ લેતા ઝડપાયા છે. ખેડૂતની જમીનના ભાગ પાડી વારસાઈ કરવાની અને કાચી નોંધો મંજૂર કરવા માટે રૂપિયા 18000ની લાંચ લેતા પાલનપુર એસીબી ટીમના હાથે રંગે હાથ ઝડપાયા છે. તલાટી નિવૃત્ત થયાના 26 વર્ષ બાદ પણ મોટી ઉંમરે ભ્રષ્ટાચાર માટે મામલતદાર કચેરીમાં બેસી કામ કરતા હતા.

સમગ્ર રાજ્યમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી છે. જેને ડામવા રાજ્યના લાંચ-રુશ્વત વિરોધી દળે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરેલો છે. ત્યારે આજે ડીસા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે બનાસકાંઠા એસીબી ટીમે રેડ કરી સર્કલ ઓફિસર અને નિવૃત્ત તલાટીને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા મામલતદાર કચેરીમાં આ કામના ફરિયાદીએ પોતાની જમીનમાં વારસાઈ કરવા તેમજ ભાઈઓ ભાગની જમીન જુદી પાડવા તેમજ વારસાઈની તેમજ વેચાણ દસ્તાવેજોની કાચી નોંધો પડાવવા અરજી મુકી હતી. જે નોંધો મંજૂર કરવા માટે ઝેરડાના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર રમેશભાઈ નાનજીભાઈ પ્રજાપતિ દ્વારા રૂ. 18,000ની લાંચ માંગવામાં આવી હતી. જે ફરિયાદી આપવા ઇચ્છતા ન હોવાથી તેઓએ લાંચ વિરોધી દળનો સંપર્ક કર્યો હતો.

 જે અંતર્ગત એ.સી.બી.બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા એસીબી પી.આઈ.એન.એ ચૌધરીએ ટીમ સાથે ડીસાના જનસેવા કેન્દ્ર ખાતે છટકું ગોઠવ્યું હતું. જેમાં ઝેરડા સર્કલ ઓફિસર વતી કચેરીમાં બેસતા નિવૃત તલાટી દશરથલાલ ચુનીલાલ ત્રિવેદીએ રૂ. 18,000ની લાંચ સ્વીકારી તે પૈસા ઈન્ચાર્જ સર્કલ ઓફિસરને આપતા એસીબીએ બંનેને ઝડપી લીધા હતા.

એસીબી ટીમે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દશરથલાલ ત્રિવેદી અગાઉ ડીસામાં તલાટી તરીકે કામ કરતા હતા. તેઓ નિવૃત્ત થયાના 26 વર્ષ બાદ પણ દરરોજ સરકારી કામકાજમાં ભ્રષ્ટાચાર રૂપી મલાઈ મળતી હોવાથી મોટી ઉંમરે દરરોજ મામલતદાર કચેરીમાં બેસી કામ કરતા હતા. નિવૃત્તિના 26 વર્ષ બાદ પણ તેઓએ ભ્રષ્ટાચાર કરવાનું છોડ્યું ન હતું. જેમાં આજે તેઓને જેલ જવાનો વારો આવ્યો છે.