ચોટીલામાં આપણાં દેશના રાષ્ટ્રીય પર્વ એટલે કે 15 મી ઓગસ્ટની ઉજવણી અલગ અલગ સ્કૂલો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. જે અંતર્ગત ચોટીલામાં 18 વર્ષથી સેવાકીય પ્રવુતિઓ કરતી સંસ્થા રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલાની પ્રાથમિક શાળા નંબર 2 ખાતે સવારે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ મણકા, કમર, ગરદન તથા હાડકાને લગતા રોગો વિશે રાજકોટની એટલાન્ટિસ સ્પાઈન હોસ્પિટલના ઓર્થોપેડીક સ્પાઇન સર્જન ડો. સોહેલ બાદી પાસેથી ફ્રીમાં માર્ગદર્શન મેળવ્યું હતું.તેમજ હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, બ્રેઈન સ્ટ્રોક, લીવર અને કીડનીના રોગો, ફેફસાના રોગો, ટીબી, ન્યુમોનિયા, તાવ, ડેન્ગ્યુ, ટાઈફોઈડ, કોરોના, ડાયાબીટીસ, થાયરોઈડ, ઝેરની અસર, આકસ્મિક સ્પાઈન ઈજાઓ, પેટ અને આંતરડાના રોગો,વાના રોગના દર્દીઓને એમ.ડી. ક્ધસલ્ટન્ટ ફીઝીશ્યન એન્ડ કાર્ડિયોલોજીસ્ટ ડો. અંજુમ બાદી એ સારવાર કરી હતી. ચોટીલાના જરૂરિયાત મંદ દર્દીઓને રોગોના નિદાન માટે રાજકોટ ના ધક્કા ના થાય અને ત્યાં ડોકટરોની મોંઘી ફી ચૂકવવી ના પડે તેટલા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ચોટીલામાં સતત ચોથા વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી બ્લડ ડોનેશન થકી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ની સી. યુ. શાહ મેડિકલ કોલેજ અને બ્લડ બેંક ના સહયોગથી રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોરે 2 વાગ્યાથી જ બ્લડ ડોનરોએ લાઈનો લગાવી હતી. સાંજે 6 વાગ્યા સુધી ચાલેલા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. ચોટીલાના દર્દીઓ મોટા ભાગે રાજકોટ અને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતાં હોઈ છે અવર નવાર રાજકોટની બ્લડ બેન્કો દ્વારા ચોટીલામાં કેમ્પ થતા હોઈ ત્યારે ચોટીલાના દર્દીને સુરેન્દ્રનગર સારવાર કરાવવા જાય ત્યારે પણ જો લોહીની જરૂર પડે તો હેરાન ન થવું પડેતેવા શુભ હેતુથી આ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને આરોગ્ય વિષયક કેમ્પ ને સફળ બનાવવા રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલાના પ્રમુખ મોહસીનખાન પઠાણ, મેહુલભાઈ ખંધાર, જ્યોતિબેન સિતાપરા, પાયલબેન મોરી, એફ એન એફ ડિઝાઇન વાળા જયભાઈ પરમાર, મોઈનખાન પઠાણ, ઈમાનખાન પઠાણ અને સુરેન્દ્રનગર ના ખ્યાતનામ લોકસેવક અને સિનિયર બ્લડ મેન ગોવિંદભાઈ ગમારા ઉર્ફે ગોવિંદબાપા તેમજ આ તકે મોડેલ ડે સ્કુલ સણોસરાના આચાર્ય ડો. મનોજ ચૌહાણ અને એન.એસ.એસ. ના સ્વંયમ્ સેવકોએ ખાસ જહેમત ઉઠાવી હતી.