પાટડી તાલુકાના માલવણ હાઇવે પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો અને વિદેશી દારૂની 1121 બોટલો સાથે રૂ. 9.62 લાખના મુદામાલ સાથે ઇનોવા કાર ઝડપાઇ હતી. પોલીસ દ્વારા ઇનોવો ગાડી અને મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય નાસી છૂટેલા ત્રણ આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.રાજસ્થાનથી વાયા પાટડી પંથક થઇને ઝાલાવાડ પંથકમાં વિદેશી દારૂ ઘૂસાડવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધવા પામ્યા છે. અને પોલીસ દ્વારા અવારનવાર બાતમીના આધારે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઇ સહિતના પોલીસ સ્ટાફને અગાઉથી મળેલી બાતમીના આધારે માલવણ હાઇવે પર વોચ રાખી છટકું ગોઠવવામાં આવ્યું હતુ.ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માલવણ હાઇવે પરથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી ઇનોવા કારને આંતરીને સઘન તપાસ કરતા ઇનોવો કારમાંથી ઇશ્વરસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ ( રહે-ઝાખર, જિલ્લો-ઝાલોર (રાજસ્થાન)ને ઝબ્બે કરી ગાડીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ- 1121, કિંમત રૂ. 1,57,300નો મુદામાલ ઝબ્બે કર્યો હતો.ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂના જથ્થા સાથે મોબાઇલ નંગ- 1, કિંમત રૂ. 5,000, રોકડા રૂ. 600 અને ઇનોવા કાર કિંમત રૂ. 8,00,000 મળી કુલ રૂ. 9,62,900નો મુદામાલ ઝબ્બે કર્યો હતો. અને આ કેસમાં મદદગારી કરનારા કેસરસિંહ ( ઉદેપુર, રાજસ્થાન ), જીતુસિંહ ઉર્ફે વિજય ( ઉદેપુર, રાજસ્થાન ) અને બાદલસિંહ વાઘેલા ( રામનગર, દાંતીવાડા, બનાસકાંઠા ) મળી કુલ ચારેય શખ્સો વિરુદ્ધ બજાણા પોલીસ મથકે દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.