પાટડી તાલુકામા પ્રશાશનની બેદરકારીના લીધે વારંવાર સમયાંતરે અકસ્માતના કિસ્સા બનતા રહે છે. ત્યારે બજાણા પાટડી વચ્ચે આવેલા પુલ પાસેના રોડમા કોઈક શખ્સો દ્વારા માટીનો ઢગલો કરી દીધેલો હોય જેના કારણે રોડની વાહન ચાલવાની સાઈડમાંજ મસમોટો ઢગલો જોવા મળ્યો હતો. ત્યારે આ હાઇવે સતત નાના મોટા વાહનોથી 24 કલાક ધમધમતો રહે છે. વધુમાં આ રોડ મહેસાણા, બહુચરાજી, રાધનપુરથી લઈને રાજસ્થાન જેવા શહેરોને જોડતો હોય જેથી અહીં રાજસ્થાની ટ્રેલરો પણ રાતદિવસ અહીં ચાલતા રહે છે.ત્યારે બજાણા ગામના બે યુવાનો બાઇક લઈને પાટડીથી બજાણા ગામે આવતા હોય જેઓ બજાણા મામાની દેરી (પુલ) પાસે પહોંચતા તેઓને અચાનક રાત્રીના અંધારામાં બાઇકની લાઈટમાં રોડ પર કરેલા માટીનો ઢગલો દેખાયા બાદ તેઓ બાઇક પર કન્ટ્રોલ ન કરી શકતા તેઓનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બજાણા ગામના કિશનભાઈ નામના બાઇક સવારને પીઠના, હાથના ભાગે ઇજાઓ પહોંચવા પામી હતી.તેઓની સાથે રહેલા અન્ય એક વ્યક્તિને મોઢાના, હાથના અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. જેઓ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ગયા હતા. ત્યારે આવી જ બેદરકારીના લીધે અન્ય કોઈ લોકોના અકસ્માત ના સર્જાય અને જાનહાની ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવા લોકમાંગ ઉઠવા પામી છે.