બનાસકાંઠા જિલ્લામાં નજર ચૂકવી રોકડ રકમની ચોરીની ઘટનાઓને અંજામ આપનાર કડિયા સાંસી ગેંગના બે સગીરને ઝડપી લેવામાં આવ્યા છે. તેમની પૂછપરછમાં વાવ થરામાં ત્રણ વર્ષમાં થયેલી રૂપિયા 22.91 લાખની ચીલ ઝડપનો ભેદ ઉકેલાયો છે.
એલસીબીની ટીમે 100થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ફન્ફોસ્યા પછી સગોરીની ઓળખ કરી હતી. અને રાજસ્થાન પોલીસના કબ્જા માંથી બનાસકાંઠા લવાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં 5 મે 2023ના રોજ વાવ બનાસબેંકમાંથી કાણોઠી સેવા સહકારી મંડળીના મંત્રી શબીરભાઇ ઉસ્માનભાઇ ઘાંચીની નજર ચૂકવી રૂપિયા 15,09,500ની ચોરી થઇ હતી.
જેની બનાસકાંઠા એલસીબી પીઆઇ ડી. આર. ગઢવી, પીએસઆઇ પી. એન. જાડેજાની ટીમે તપાસ હાથ ધરી હતી. અને 100થી વધુ સી.સી.ટી.વી. ફૂટેજ ફંફોસ્યા હતા. જેમાં ચીલઝડપ કરતી ગેંગ મધ્યપ્રદેશના રાજગઢ જીલ્લાના કડીયાસાંસી ગામના હોવાનું સામે આવ્યું હતુ. દરમિયાન આ ગેંગના સગીર રાજસ્થાન પોલીસના હાથ ઝડપાયો હોઇ તેને બનાસકાંઠા લાવી પુછતાછ કરી હતી.
જેમાં થરામાં તા. 5 સપ્ટેમ્બર 2020ના રોજ વિનોદભાઇ જગમાલભાઇ પટેલની ઓફિસમાંથી થયેલી રૂપિયા 2,29,762 તેમજ તા. 22 જૂન 2022ના રોજ થરા એસબીઆઇમાં વાલાજી ધમાજી ઠાકોરની નજરચૂકવી થયેલી રૂપિયા 5,52,000ની ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
કડીયાસાંસી ગેંગ નાના બાળકોનો ચોરીમાં ઉપયોગ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. જેઓ સમગ્ર દેશમાં પરિવાર સાથે ફરતા રહી મોટાભાગે બેંક, ભીડભાડવાળી જગ્યા, લગ્ન પ્રસંગોમાં ગૂના આચરતાં હતા.