પાવીજેતપુર તાલુકાના ખારીવાવ ગામે કુવામાં પડેલા દીપડાને રેસ્ક્યુ કરી બહાર કઢાયો

          પાવીજેતપુર તાલુકાના ખારીવાવ ગામે પંચાયતના કુવામાં મધ્યરાત્રીએ પડી ગયેલા દીપડાને પાવીજેતપુર તેમજ છોટાઉદેપુર રેન્જના કર્મચારીઓએ સ્થળ ઉપર પહોંચી પાણીમાં પાંજરું ઉતારી રેસ્ક્યુ કરી દીપડાને બચાવ્યો હતો. 

           પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના ખારીવાવ ગામે એક જંગલી દીપડો માનવ વસ્તીમાં ધસી આવી મધ્યરાત્રીએ પંચાયતના કુવામાં પડી ગયો હતો. વિશાળ કદ ધરાવતો દીપડો હોય તેમ જ કૂવામાં ગર્જના કરતો હોવાથી ગામમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી. દિપડો કુવાની અંદર બનાવેલ મોટરના સ્ટેન્ડ ઉપર બેસી જતા તેને કોઈ નુકસાન થયું ન હતું. જંગલી દીપડો કુવામાં ખાબક્યા હોવાની જાણ પાવીજેતપુર રેન્જને થતા પાવીજેતપુર રેન્જના અધિકારી, કર્મચારીઓ તેમજ છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવી પાંજરું ખાટલાના સપોર્ટથી, દોરડે બાંધી કુવાની અંદર ઉતારી ભારે જહમત બાદ દીપડાને પાંજરામાં પૂરીઓ હતો. કુવામાંથી રેસ્ક્યુ કરી દીપડાને બચાવવામાં આવ્યો હતો. રેસ્ક્યુ કરેલ દીપડાને ડુંગરવાટ રેસ્ક્યુ સેન્ટર ઉપર મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેની વધુ તપાસ કરી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ફરીથી રેન્જમાં છોડી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું. 

         આમ, પાવી જેતપુર તાલુકાના ખારીવાવ ગામે ગ્રામ પંચાયતના કુવામાં વિશાળકાય જંગલી દીપડો મધ્ય રાત્રીએ પડી ગયો હતો. જંગલ ખાતાના અધિકારી, કર્મચારીઓ તેમજ નગરના માણસોની મદદ થી કુવામાં પાંજરું ઉતારી ભારે જેહમત બાદ દીપડાને બચાવવામાં આવ્યો હતો. જેને ફરીથી જંગલમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવનાર છે.