સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વીજચોરીનાં દૂષણે માઝા મૂકી છે. ગેરકાયદે વીજ વપરાશ કરીને કરવામાં આવતી વીજચોરી સામે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની ટીમો સતત ચેકિંગ અભિયાન ચલાવી રહી છે. જૂન-જુલાઈ 2023 એમ 2 માસમાં જિલ્લામાં 423 જેટલા કનેક્શનોમાં વીજચોરી ઝડપાતા 2.17 કરોડનો દંડ ફટકારાયો હતો.સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં વિવિધ જગ્યાએ ગેરકાયદે કનેક્શન લઈને, વીજ લાઈનમાં લંગરીયા નાખીને, મીટર સાથે ચેડા કરીને, વીજચોરી કરવામાં આવતી હોવાની વારંવાર ફરિયાદો ઊઠતી હોય છે. રહેણાક, ઔદ્યોગિક અને ખેતીનાં વીજકનેક્શનોમાં ગેરકાયદે વીજ વપરાશ કરીને વીજકંપનીને નાણાકીય નુકસાન કરવામાં આવતું હોય છે. ખાસ કરીને, કેટલાક ગ્રામ્ય વિસ્તારો અને કેટલાક ઔદ્યોગિક એકમોમાં આ રીતે વીજચોરી કરવામાં આવતી હોવાનું મનાય છે. ગેરકાયદે ધમધમતી ખાણોમાં કનેક્શન પણ ગેરકાયદે લઈ ખનીજચોરી સાથે વીજચોરી કરાતી હોવાનું મનાય છે. ભૂતકાળમાં ખનીજ અંગેનાં દરોડા દરમિયાન ગેરકાયદે ટીસી મૂકીને વીજચોરી કરાતી હોવાનું પણ બહાર આવ્યું હતું. પીજીવીસીએલ દ્વારા કોર્પોરેટ ડ્રાઈવ યોજીને આવી વીજચોરી અટકાવવા અવારનવાર ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. વીજ કંપનીની ચેકિંગ ટીમો દ્વારા વીજચોરીના કેસો ઝડપી પાડવામાં આવે છે.સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, મૂળી, થાન, ચુડા, પાટડી, લખતર, ચોટીલા સહિતના શહેરી તેમજ ગ્રામ્ય પંથકોમાં છેલ્લા 2 માસમાં એટલે કે જૂનઅને જુલાઈ-2023 દરમિયાન તમામ તાલુકામાં 2464 વીજકનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 423 કનેક્શનોમાં ગેરરીતિ જણાતા અંદાજે રૂ. 2,17,00,000નો દંડ કરવામાં આવ્યો હતો.