અમીરગઢ તાલુકાના ગાજી ગામે સંસ્થાના સંચાલકે હોસ્ટેલમાં રસોઈ બનાવવા આવતી યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. તેની સામે ગૂનો નોંધી પોલીસે વધુ તપાસ કરી છે. અમીરગઢ તાલુકાના એક ગામમાં રહેતી યુવતીના આજથી 6 વર્ષ અગાઉ છૂટાછેડા થયા હતા. આથી તેણી તેની માતા પાસે રહેતી હતી.
તેના ગામમાં અમીરગઢ તાલુકાના ગાજીનો મુસ્તફાખાન કાળુખાન બલોચ ગૃહ ઉધોગ ચલાવતો હતો. જ્યાં બે વર્ષ અગાઉ મજૂરી કામ માંગવા ગઈ હતી.આથી મુસ્તફાખાને હોસ્ટેલમાં રસોઈ માટે માણસની જરૂર હોઈ દર માસે રૂપિયા 3500ના પગારથી તેણીને નોકરીએ રાખી હતી. જોકે, નોકરીએ રાખ્યાના ચાર માસ પછી મુસ્તફાએ તારે પતિ નથી તો મારી સાથે સંબંધ રાખ સારો પગાર આપીશ તેવી વાત કરતો હતો. પરંતુ યુવતી ગણકારતી ન હતી. આથી નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપતો હતો.
યુવતી પગાર લેવા જાય ત્યારે અને ઓફીસમાં કચરા - પોતા કરવા જાય ત્યારે અવાર નવાર દુષ્કર્મ ગુજારતો હતો. જે સહન ન થતાં યુવતીએ નોકરી છોડી દીધી હતી. અને બીજા લગ્ન કર્યા હતા. દરમિયાન તેણે છેલ્લો પગાર બાકી હોય લેવા ગઈ હતી ત્યારે પણ મુસ્તફા બલોચે રસોડામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જે કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે યુવતીએ મુસ્તફાખાન કાળુખાન બલોચ સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સપ્તાહ અગાઉ પણ મુસ્તફા બલોચ સામે યુવતીની છેડતીની ફરિયાદ નોંધાઇ હતી.