ડીસા તાલુકાના લુણપુર ગામે બે પરિવારો વચ્ચે આરટીઆઈ માંગવા બાબતે થયેલી તકરાર બાદ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષે થઈ કુલ સાત વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ બાબતે ડીસા તાલુકા પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના લુણપુર ગામે રહેતા લક્ષ્મણસિંહ સૂરજજી સોલંકી સાંજના સુમારે તમને કાકાની દુકાન આગળ પરિવારના ભાઈઓ સાથે ઉભા હતા. ત્યારે તેમના ગામના અમૃતજી સોલંકી અને લક્ષ્મણસિંગ પનાજી સોલંકીએ આવી તેમને જણાવ્યું કે તમોએ કેમ અમારા વિરુદ્ધ પંચાયતમાં આરટીઆઈની અરજી કરેલી છે. તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો તેમજ તલવાર અને પાઈપો વડે હૂમલો કરી દેતા ચાર વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જે અંગે ડીસા તાલુકા પોલીસે લક્ષ્મણસિંહની ફરિયાદના આધારે અમરતસિંહ, ચંદુજી, લક્ષ્મણસિંહ પન્નાજી, કમીબેન ચંદુજી અને પનાજી લાલજી સોલંકી સામે ગુનો નોંધ્યો હતો.
જ્યારે પોલીસે સામા પક્ષે લક્ષ્મણસિંહ પન્નાજી સોલંકીએ જેણાજી રતનજી, બળવંતજી રતનજી, ભવનજી રતનજી અને રમજુંબેન બળવંતજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેમના પિતા તેમના દીકરાને સ્કૂલેથી ઘરે લઈને આવતા હતા.
ત્યારે ગામના બસ સ્ટેશન પાસે જેણાજી રતનજી, બળવંતજી રતનજી, ભવનજી રતનજી હાથમા ધારિયું, પાઇપો લઈને ઊભા હતા અને તેમના પિતાને કેમ તમે અમારી સાથે અગાઉ ઝઘડો કર્યો હતો તેમ કહી હૂમલો કરતા અન્ય લોકો છોડાવા પડતા તેમને પણ હથિયાર વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને ડીસા તેમજ પાલનપુર સારવાર અર્થે લઈ જવાયા હતા.