જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગરમાં રહેતા 25 વર્ષીય જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા છે. આજે 4 વાગતા શહીદ જવાનનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યો હતો. જ્યાંથી મૃતદેહને એરપોર્ટના મેઘાણીનગર ગેટથી બહાર લાવવામાં આવ્યો હતો. જ્યાં શહીદ જવાનના સ્વજનો આવી પહોંચ્યા હતા. અહીંથી શહીદ જવાનનો મૃતદેહ તેમના નિવાસસ્થાને લઇ જવામાં આવી રહ્યો છે. ત્યારબાદ ત્યાંથી લીલાનગર સ્મશાન ગૃહ સુધી અંતિમયાત્રા નીકળશે. મહિપાલસિંહના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ઘરની બહાર ભીડ જમા થઈ છે. રોડ ઉપર બેનરો લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તેમની પત્ની પ્રેગ્નેન્ટ હોવાથી થોડા દિવસોમાં જ તેઓ પિતા બનવાના હતા.વિરાટનગર ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. શહીદ મહિપાલસિંહ વાળાના વતનથી સમાજના અગ્રણીઓ અને લોકો અમદાવાદ આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રી પણ મહિપાલસિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે આવવાના છે. જેના પગલે પોલીસ અધિકારીઓ પણ વિરાટનગર ખાતે પહોંચ્યા છે. ડીસીપી બળદેવ દેસાઈ અને ટ્રાફિક ડીસીપી સફિન હસન પણ પોહચ્યા છે. શહીદ મહિપાલસિંહનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટના મેઘાણીનગરના ગેટથી લાવવામાં આવશે. શહીદના સ્વજનો ગેટ પર પહોંચ્યા છે.શહીદ વીર જવાન મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલિ પાઠવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સદાશિવ સોસાયટી વિરાટનગર રોડ નિવાસસ્થાને સાંજે 6 વાગ્યે પહોંચશે. મુખ્યમંત્રી સ્વર્ગસ્થ મહિપાલસિંહને વિરાંજલી આપવાની સાથે તેમના શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પણ પાઠવશે. ત્યારે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ મુખ્યમંત્રી સાથે જોડાશે.મહિપાલસિંહ વાળાની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. સદાશિવ સોસાયટીના રહીશો અને રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા શહીદ વીર મહિપાલસિંહ વાળાના નામની એક હજારથી વધુ ટી શર્ટો બનાવડાવવામાં આવી છે. મહિપાલસિંહના ફોટા સાથે ટી-શર્ટો પહેરી યુવાનો જોડાશે. ત્યારે વિરાટનગર કેનાલથી વિરાટનગર ચાર રસ્તા સુધી વેપારીઓ દ્વારા સ્વયંભૂ દુકાનો બંધ રાખવામાં આવી છે.