સુરેન્દ્રનગર બસસ્ટેશન પાસે ધોળા દિવસે પ્રેમ સબંધની બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં તાહીર યુસુફભાઇ શેખ નામના યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. આ બનાવમાં બંને પક્ષે સામસામી ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કુલ 11 શખસ સામે અલગ અલગ કલમથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હત્યાના બનાવના 3 દિવસ બાદ હુમલાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં 2 યુવાન હાથમાં ધોકો લઇને નીચે પાણીના ખાબોચીયામાં પડેલા યુવાનના પગે અને મોઢાના ભાગે લોઢાના ઘા મારી રહ્યા છે. તેની બાજુમાં 2 મહિલા પણ ઉભેલી દેખાય છે.શહેરના ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર બનેલી ઘટનાનો કોઇએ વીડિયો ઉતારી લીધો હતો. જેને સોશિયલ મીડિયામાં ફરતો કરી દેતા પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી હતી. અને આ વીડિયો ઉતારી ફરતો કરનાર 4 શખસને પોલીસે દબોચી લીધા હતા. ત્યારબાદ તા. 5 ઓગસ્ટને શનિવારે જાહેર રસ્તા પર કે જ્યાં ઘટના બની હતી અને વીડિયો ઉતાર્યો હતો તે સ્થળ પર શખસોને લઇ જઇને ઉઠકબેઠક, હવે પછી આવું નહીં કરીએ, અમને માફ કરશો સહિતના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આ સમયે એલસીબી પીઆઈ વી.વી. ત્રિવેદી, સીટી બી-ડિવિઝન પીએસઆઈ જી.એન.શ્યારા સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.