ડીસામાં સ્પોર્ટ્સ ક્લબ પાસે આજે વહેલી સવારે વરસાદના કારણે એક કાચા મકાનની છત ધરાશયી થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. પરિવારજનો ઓસરીમાં બહાર હોવાથી સદનસીબે જાનહાની ટળી હતી. ઘટનાને કારણે મકાન માલિકને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.
ડીસામાં સ્પોર્ટ્સ ક્લબ પાસે નહેરુનગર ટેકરા પ્રાથમિક શાળાની બાજુમાં રહેતો પ્રવીણ બારોટ નામનો યુવક છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તે કાચા નેવાવાળા મકાનમાં રહે છે. છેલ્લા ત્રણ દિવસથી ડીસામાં વરસાદી માહોલ છે અને વરસાદના કારણે વહેલી સવારે તેમના મકાનના રૂમની છત અચાનક ધરાશઈ ગઈ હતી. સબનસીબે તેમનો પરિવાર ઓસરીમાં સૂતો હોવાના કારણે જાનહાની ટળી હતી. પરંતુ છત પડવાથી તેમને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ અંગે મકાન માલિક પ્રવિણભાઈ બારોટે જણાવ્યું હતું કે, તેઓ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમના પર છ લોકોની જવાબદારી છે. વળી છેલ્લા ઘણા સમયથી તેઓ કેન્સરની બીમારીથી હેરાન થઈ રહ્યા છે. તેવામાં આજે તેમના ઘરની છત પડી જતા મોટું નુકસાન થયું છે. પરિવારના લોકો ઓસરીમાં હોવાથી જાનહાની ટળી હતી પરંતુ ઘરવખરીને મોટુ નુકસાન થયું છે ત્યારે સરકાર તેમને તાત્કાલિક સહાય આપે તેવી માગ કરી છે.