શહેરના એસટી બસ સ્ટેન્ડ રોડ પર ચાર શખ્સોએ બે યુવક પર હુમલો કરતા એકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્યને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મૃતકના મૃતદેહને હોસ્પિટલ લઈ જવાતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. હાલ આ મામલે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ નજીક આજે બપોરના સમયે ચાર શખ્સો બે યુવક પર હથિયારો લઈ તૂટી પડ્યા હતા. જેમાં શાહીદ શેખ નામના 26 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક યુવકને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ધોળે દિવસે સરાજાહેર હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી.ઘટનાના પગલે નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુ દોશી, લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ વી.વી. ત્રિવેદી, એસ.ઓ.જી પી આઈ સંજય સિંહ જાડેજા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે. સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે અને આ મુદ્દે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસે હત્યાને અંજામ આપનારા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.