ફળોના રાજા કેરીનું સુરત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં બમ્પર ઉત્પાદન

સુરત જિલ્લામાં ૨૦૨૨-૨૩ના વર્ષ દરમિયાન ૯૮૬૫ હેક્ટરમાં ૫૦૫૧૨ મેટ્રિક ટન જેટલું માતબર કેરીનું ઉત્પાદન નોંધાયું

વર્ષ ૨૦૨૨-૨૩માં દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓમાં ૯૯,૯૪૦ હેક્ટરમાં ૫,૦૫૦૬૧ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન: વલસાડ જિલ્લો ૩૭,૨૯૫ હેક્ટરમાં ૧,૭૯,૨૫૧ મેટ્રિક ટન સાથે કેરી ઉત્પાદનમાં મોખરે

૨૦૦૧માં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત અને સંવર્ધિત ‘સોનપરી’ કેરીની વિદેશમાં જબરી માંગ

ફળોના રાજા કેરીનું આ વર્ષે સમગ્ર ગુજરાતમાં બમ્પર ઉત્પાદન થયું હતું. કેરીનો ઇતિહાસ ૫૦૦૦ વર્ષથી પણ પુરાણો છે. સુરત જિલ્લામાં પણ કેરીનું માતબર ઉત્પાદન થાય છે. આ વર્ષે ચોમાસુ તેના નિર્ધારિત સમય કરતા મોડું બેસતા કેરીના રસિયાઓએ મન મૂકીને કેરીનો સ્વાદ માણ્યો હતો. ખાસ કરીને કેસર અને રાજાપૂરી ખાવાનું ચલણ વધુ છે. કેરીના રસિયાઓ અન્ય કેરીઓ પણ ખાવાનું ચૂકતા નથી. ખાસ કરીને વલસાડની હાફુસ તથા નવસારીની કેસર કેરીનું પણ શહેરમાં મોટાપાયે વેચાણ થાય છે. 

      નાયબ બાગાયત નિયામકશ્રી ડી.કે.પડાલિયાએ ૨૦૨૨-૨૩ના વર્ષમાં કેરીના ઉત્પાદનની વિગતો આપતા જણાવ્યું હતુ કે, સમગ્ર સુરત જિલ્લામાં ૯૮૬૫ હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર થાય છે જેમાંથી આ વર્ષે ૫૦૫૧૨ મેટ્રિક ટન જેટલું કેરીનું માતબર ઉત્પાદન થયું હતું અને દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓમાં ૯૯,૯૪૦ હેક્ટરમાં ૫,૦૫૦,૬૧ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું. જેમાં વલસાડ જિલ્લો ૩૭,૨૯૫ હેક્ટરમાં ૧,૭૯,૨૫૧ મેટ્રિક ટન સાથે કેરી ઉત્પાદનમાં મોખરે રહ્યો છે. 

                સુરત જિલ્લામાં સૌથી વધુ મહુવા તાલુકામાં કેરીનું વાવેતર ૫૪૫૫ હેકટરમાં થયું છે અને વર્ષ 22-23 દરમ્યાન ૨૭૮૫૧ મેટ્રીક ટન ઉત્પાદન થયું હતું. ત્યાર બાદ કામરેજ તાલુકામાં ૧૦૨૯ હેકટરમાં ૫૨૬૮ મેટ્રીક ટન, પલસાણામાં ૬૯૦ હેકટરમાં ૩૪૯૮ મે.ટન, બારડોલી તાલુકામાં ૬૯૨ હેકટરમાં ૩૫૨૨ મે.ટન, માંગરોળમાં ૩૪૯ હેકટરમાં ૧૭૭૬ મે. ટન, માંડવીમાં ૫૭૮ હેકટરમાં ૧૭૭૬ મે.ટન, ઓલપાડ તાલુકામાં ૫૪૫ હેકટરમાં ૨૯૯૮ મે.ટન, ચોર્યાસીમાં ૩૫૯ હેકટરમાં ૧૮૨૪ મે.ટન કેરીનું ઉત્પાદન થયું હતું.

                    જિલ્લામાં કેરીની મુખ્યત્વે ૨૫ થી 30 વિવિધ જાતનુ ઉત્પાદન થાય છે. જેમાં ૭૦ ટકા જેટલા વિસ્તારમાં કેસરી કેરી તથા 30% વિસ્તારમાં અન્ય જાતો જેવીકે રાજાપુરી, લંગડો, તોતાપુરી, દશેરી, અમ્રપાલી, વનરાજ, હાફુસ, કારણજિયો, દાડમીયો, સોનપરીનું પણ ઉત્પાદન થાય છે. 

                જિલ્લામાં આવેલ મૂલ્યવર્ધન કરતી ખાનગી અને સહકારી ક્ષેત્રની ફેક્ટરીઓ દ્વારા કેરીની વિવિધ બનાવટો જેવી કે રસના ડબા. બોટલ પેકીંગ અને કેરીના અથાણા તથા જ્યુસ બનાવી તેનો યોગ્ય રીતે સંગ્રહ કરી ફેકટરીઓ અને મંડળીઓ દ્વારા વર્ષભર તેનું સારા ભાવે વેચાણ કરવામાં આવે છે. જેમાં નવસારી ખાતે આવેલ પેક્શન ફૂડ, ગણદેવીની અમીધારા કો ઓપરેટિવ, વાંસદાની વસુંધરા મંડળી (વૃંદાવન બ્રાન્ડ - બાયફ ) લાછાકડી, વલસાડની ફૂડ એન્ડ ઈન્સ, સુરત એ. પી. એમ. સી. તથા સુમુલ ડેરી દ્વારા પણ રસનું પેકેજીગ કરીને સ્થાનિક તથા વિદેશના બજારોમાં વેચાણ કરવામાં આવે છે. 

                 વધુમાં નાયબ બાગાયત નિયામક, સુરત જણાવે છે કે, પરંપરાગત ખેંતી પાકો જેવા કે ડાંગર, શેરડી વગેરે પાકોમાં શ્રમિકોની અછત અને વધતા જતા મજુરી ખર્ચ અને ઓછા વળતરને કારણે ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક આપતા આંબાના પાકની ખેતી તરફ વળી રહ્યા છે. ખેડૂતો કેરીના બગીચાઓનું સંવર્ધન અને ઉછેરની કાળજીની સાથે નવી સિઝનમાં સેન્દ્રિય ખાતરના ઉપયોગ કરી કેરીનો સારો પાક લઇ શકે છે.

દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો કેરી ઉત્પાદનમાં મોખરે: દર વર્ષે ૩૭,૨૯૫ હેક્ટરમાં ૧,૭૯,૨૫૧ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન કરે છે

          દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં ૯,૬૨૦ હેક્ટરમાં કેરીના વાવેતર સાથે ૪૮,૯૬૬ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું છે. જ્યારે નવસારીમાં ૩૩,૮૫૫ હેક્ટરમાં ૧,૪૬,૯૩૨ મેટ્રિક ટન, વલસાડમાં ૩૭,૨૯૫ હેક્ટરમાં ૧,૭૯,૨૫૧ મેટ્રિક ટન, ભરૂચમાં ૨,૯૩૫ હેક્ટરમાં ૨૧,૮૬૬ મેટ્રિક ટન, તાપીમાં ૬,૭૧૮ હેક્ટરમાં ૪૩,૯૧૯ મેટ્રિક ટન, નર્મદામાં ૩,૬૦૨ હેક્ટરમાં ૨૬,૬૫૫ મેટ્રિક ટન તેમજ ડાંગ જિલ્લામાં ૫,૪૧૫ હેક્ટરમાં ૩૭,૪૭૨ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું છે. એમ કહી શકાય કે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો કેરીના ઉત્પાદનમાં મોખરે છે, બીજા ક્રમે નવસારી જિલ્લો જ્યારે સૌથી ઓછી કેરી પકવતો જિલ્લો ભરૂચ છે.

કેરીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરાના સ્થાને :દક્ષિણ ગુજરાતની ‘સોનપરી’ કેરીની વિદેશમાં જબરી માંગ

            કેરીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. વિશેષત: રાજ્યની કેસર, હાફુસ અને રાજાપુરી કેરી તેના સ્વાદ, સુગંધ માટે વિશ્વવિખ્યાત છે. ૨૦૦૧માં નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્ર પરીયા દ્વારા સંશોધિત અને સંવર્ધિત ‘સોનપરી’ કેરીની વિદેશમાં માંગ વધી રહી છે. હાફુસ અને બનેસાન કેરીનું ક્રોસ બ્રિડીંગ કરીને 'સોનપરી કેરી'ની નવી જાતનું સંશોધન થયું છે.  

સરકાર દ્વારા ફળપાક ઉત્પાદકતા વધારવા વિવિધ સહાય મળવાપાત્ર છે

              સુરત જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો ચાલુ વર્ષ ૨૦૨૩- ૨૪ માં બાગાયત વિભાગની 'ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ'માં વિવિધ પ્રકારની સહાય મેળવવા અરજી કરી શકે છે. આ યોજના હેઠળ આંબા/કેરી, જામફળ અને કેળના પાક માટે સહાય મેળવી શકાશે. આંબાની નવી વાડી ઉભી કરવા માટે ખાતા દીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ૪૦૦ કલમના વાવેતર માટે પ્રતિ કલમ રૂ. ૧૦૦ મુજબ હેક્ટરે રૂ.૪૦,૦૦૦/- ની નિર્ધારિત સહાય મળે તેવી જોગવાઈ ચાલુ વર્ષે સરકારશ્રીએ બાગાયત વિભાગ મારફતે કરી છે. આ ઉપરાંત નવા વાવેતર કરેલ આંબા પાકની વચ્ચે આંતર પાક તરીકે અન્ય શાકભાજીની ખેતી માટે વધારે રૂ.૧૦૦૦૦/- પ્રતિ હેક્ટરની સહાય નિર્ધારિત કરી છે.

                 આમ સમગ્ર ગુજરાતમાં આંબા પાકનો વાવેતર વિસ્તાર વધે અને ખેડૂતો સારી આવક મેળવે તે માટે રાજ્ય સરકાર અને તેનું બાગાયત ખાતું હરહંમેશ ખેડૂતોના હિતમાં આગળ વધી રહ્યું છે તેવું નાયબ બાગાયત નિયામક દિનેશ પડલીયાએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.